સુરતમાં એલિયન યાન ઉતર્યુ હોય તેવો ભૂવો પડ્યો, સોશિયલ મીડિયામાં CCTV થયા વાયરલ

સુરતઃ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર અર્ધી સદી પહેલા બનેલી ચણતર પ્રકારની બોક્સ વરસાદી ડ્રેનેજ લાઈન બેસી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 8 થી 10 ફૂટના ઘેરાવમાં અને સાત ફૂટ ઉંડી લાઈન બેસી જઈ લોકોમાં પ્રથમ ભુકંપ થયો હોવાની વાત પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ હતી. જ્યારે ભૂવો પડવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અને તેની સાથે લખાયું છે કે, સુરતમાં એલિયન યાન ઉતર્યું હોય તેવો ભૂવો પડ્યો.

કોર્પોરેટરના ઘર નજીક જ પડ્યો ભૂવો

પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર ગત રોજ(મંગળવાર) રાત્રે રોડ વચ્ચે મસમોટો ભૂવો પડતાં ત્યાં નજીકમાં જ રહેતાં કોર્પોરેટર પ્રવિણ કહાર સહિતના સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. અને તકેદારીરૂપ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. આ 50 વર્ષ પહેલાની બોક્સ વરસાદી લાઈન ખાડી પર બનાવવામાં આવી હતી. જુની થતાં તે તુટી પડી હોવાનું પ્રાથમિક કારણ ઝોનના અધીકારીઓ જણાવી રહ્યાં છે. આ બોક્સ ડ્રેનેજ લાઈન માછીવાડ થી લઈ એકતા સર્કલ થઈને છેક મક્કાઈપુલ તાપી નદીને મળે છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એસ. એસ. સુથારે જણાવ્યું કે, મોડી રાત્રે જ રિપેરિંગ કામ હાથ ધરી દેવામાં આવશે. આ ડ્રેનેજ લાઈન 800 મીટર જેટલી છે અને મક્કાઈ પુલ પાસે તાપી નદીમાં ખુલે છે.

ભૂવો પડતા સોશિયલ મીડિયામાં ભુકંપની વાત થઈ વહેતી

હત રોજ રાત્રે કોર્પોરેટરના ઘર નજીક જ ભૂવો પડતા અવનવી વાતો વહેતી થઈ હતી. ભૂવો પડતાની સાથે જ સોશિયલ મીડિયામાં ભુકંપ આવતા ભૂવો પડ્યો હોવાની વાત વહેતી થઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયમાં ભૂવો પડતા સીસીટીવી પણ વાયરલ થયા હતા. અને એલિયન યાન ઉતર્યું હોવાથી ભૂવો પડ્યો હોવાનું લખ્યું હતું. જ્યારે સીસીટીવીમાં નજરે પડે છે કે, રાત્રીના સમયે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ધીમેધીમે નજીક નીચે બેસવા લાગે છે. જેથી વાહન ચાલકો ઉભા રહી જાય છે. દરમિયાન થોડી ક્ષણમાં જ મોટો ભૂવો પડી જાય છે

અનોખા વિઘ્નહર્તાઃ સુરતની સોસાયટીમાં છેલ્લા આઠ વર્ષથી એક જ ગણપતિની થાય છે સ્થાપ્ના

ગણપતિની સ્થાપનાને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે સૌ ગણેશ આયોજકો નવા ગણપતિ, નવા મંડપ સાથે આયોજનની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારની સોસાયટીમાં એક ગણેશ મંડળ એવું પણ છે જે છેલ્લા 8 વર્ષથી એક જ ગણપતિની સ્થાપના કરતું આવ્યું છે.

છેલ્લા આઠ વર્ષથી એક જ ગણપતિની પુજા

સુરતનાં પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલી સર્જન સોસાયટીમાં સર્જન યુથ ક્લબ નામના ગણેશ મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી એક જ ગણપતિની સ્થાપના કરે છે. તેને મંડપમાં મુકીને તેની જ પુજા કરે છે. અને સોસાયટીના જ ગાર્ડનમાં વિસર્જન બાદ આ જ ગણપતિને સોસાયટીનાં ભવનમાં કાચની કેબીનમાં એ જ સ્વરૂપમાં મૂકી દે છે. 8 વર્ષથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. ગણેશઉત્સવનો હેતુ એકતાનો છે. જેથી તેઓ 185 બંગલોઝની વચ્ચે આ એક જ ગણપતિ લાવે છે. ગણપતિની 10 દિવસ પુજા અર્ચના કરવાથી મુર્તિ સાથે એક લાગણી બંધાઇ જાય છે તો તેને કેવી રીતે દુર કરી દેવામાં આવે. ઉપરથી નદીનાં પ્રદુષણનો પણ પ્રશ્ન હોવાથી આ જ પ્રતિમાને બેસાડે છે અને તેની જ પુજા કરે છે.

પ્રદુષણની સમસ્યાને લઈને વિચાર આવ્યો

મનીષા ભાવસાર (સર્જન યુથ ક્લબ, આયોજક) એ કહ્યું હતું કે, અમે ગણપતિની પ્રતિમાનો રી-યુઝ કરીએ છીએ. અને છેલ્લા 8 વર્ષથી આ જ ગણપતિ બેસાડીએ છીએ. ગણપતિ આવે ત્યારે દરેક ગણેશભક્તોનો એક જ વિચાર હોય કે આ વર્ષે કેવા ગણપતિ લાવવા, મંડપનો શણગાર કેવી રીતે કરવો,તેની તૈયારીઓ કેવી રીતે કરવી. આ વિચાર સાથે જ તેઓ દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરતાં હોય છે. સુરત પણ હવે ગણપતિ મહોત્સવ માટે મુંબઇની સરખામણીએ આવી ગયું છે.

અહીં શેરીએ શેરીએ ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપ્ના થાય છે. જોકે આટલા વર્ષો બાદ પરિણામ એ આવ્યું કે શહેરની તાપી નદીનું પુરાણ થતું ચાલ્યુ. નદીનાં પ્રદુષણનો પ્રશ્ન વધારે મોટો સાબિત થયો. એવામાં હવે તંત્રએ એ જાહેરાત કરવાનો વારો આવ્યો કે આ વર્ષે તાપી નદીમાં કોઇપણ પ્રતિમાનું વિસર્જન નહિં કરવામાં આવશે. ગણેશ આયોજકોએ ફરજીયાત કૃત્રિમ તળાવ અથવા દરિયામાં ગણેશ પ્રતિમાઓ વિસર્જિત કરવાની રહેશે. તંત્રનાં આ નિર્ણય બાદ ઘણા આયોજકો પોતાની પ્રતિમાઓનાં વિસર્જનને લઇને ચિંતામાં પણ હશે. પણ આ સમસ્યા ઉદભવશે એવો 8 વર્ષ પહેલાં જ વિચાર કરીને સુરતનાં એક ગણેશ મંડળે ગણપતિની સ્થાપના કરી હતી. અને આજે 8 વર્ષ બાદ પણ તેઓ એ જ ગણપતિની પુજા કરતાં આવ્યા છે.

પોલિરેકઝિન મટીરીયલમાંથી બની છે પ્રતિમા

અમીષા પટેલે ઉમેર્યુ હતું કે, નદીમાં એમ પણ પાણી નથી. ત્યારે લોકોએ આવા ગણપતિ લાવવા જ જોઇએ. ગણપતિની આ પ્રતિમા પીઓપી કે માટીની પણ નથી બની. પોલિરેકઝિન મટીરીયલમાંથી બનેલી આ મુર્તિ 8 વર્ષથી થોડી પણ ખરાબ થઇ નથી. તેનો રંગ પણ તેવો જ રહ્યો છે. પીઓપી કે માટીની પ્રતિમાને આટલા લાંબા સમય સુધી રાખવામાં ખરાબ થવાની ભીતિ હોય છે. ત્યાં આવા મટીરીયલથી બનેલી પ્રતિમાઓ લાંબા સમય સુધી ટકે છે. અને તે સ્થાપિત કરવાથી ઘણી બધી સમસ્યાનું નિરાકરણ પણ આવી જાય છે.અને ભક્તોની આસ્થા પણ જળવાઇ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top