મુંબઈ, 31 મે 2020: આજે નવકાર પરિવાર ના નેજા હેઠળ યોજાએલા વૈશ્વિક નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાને અકલ્પનીય પ્રતિસાદ મળ્યો હતો. ફેસબુક લાઇવ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ઝૂમ અને ટેલીવિઝન ચેનલ્સ મારફત એમાં લાખો લોકો જોડાયા હતા. જાપમાં અધધધ 1,12,09,53,816 જાપ સંપન્ન થયા હતા. જૈનો ઉપરાંત અસંખ્ય જૈનેતરો પણ એમાંસામેલ હતા. કદાચ કોઈ પણ ઘર્મમાં સુધ્ધાં આ પ્રકારે આયોજિત થનારો અને પ્રચંડ સળતાને વરનારો આ પ્રથમ અનુષ્ઠાન હશે.
નવકાર મહામંત્ર જાપની પ્રેરણાપરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ હતી. જાપને જૈન સમાજના ચારેય ફિરકાનાં અગણિત સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ અને 300થી વધુ સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રા પ્રાપ્ત હતી. વિશ્વ કલ્યાણ અને કોરોનાવાઇરસના આ સંકટકાળમાં જીવમાત્રને શાતા પહોંચાડવાના હેતુ સાથે યોજાએલા જાપમાં 99,99,99,999 જાપનું લક્ષ્ય હતું. તેના કરતાં પણ અનેકગણા વધુ જાપ નોંધાવાની ઘટનાએ જૈનોની પ્રબળ ધર્મભાવનાનો અનન્ય દાખલો બેસાડ્યો હતો.
સવારે સવારે 08.41ના શુભ મુહૂર્તે જાપ અનુષ્ઠાનનો મંગળ પ્રારંભ થયો હતો. તેની પહેલાં આશરે અડધો કલાકના કાર્યક્રમમાં ભાવિકોને ઓનલાઇન જાપમાં જોડાવાની રૂપરેખા સમજાવવા સાથે ભક્તિગીત થયાં હતાં. જાપ શરૂ થવા સાથે હજારો અને પછી લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. વિશ્વના જે જે દેશોમાં જૈન વસે છે એવા લગભગ દરેક દેશમાંથી ભાવિકો જાપમાં હતા. ભારતમાં છેક આસામ જેવા પૂર્વોત્તર રાજ્યથી લઈતમામ રાજ્યોમાંથી ભાવિકો નોંધાયા હતા.
થયેલા જાપની ગણતરી માટે ભાવિકો સાથે ચેટથી સંવાદ સાધવાથી લઈને કન્ટ્રોંલ રૂમમાં ટેક્નોલોજીની મદદથી સંપૂર્ણ અનુષ્ઠાન પર ધ્યાન આપતી વિશેષ ટુકડી કાર્યરત હતી. મુંબઈ ઉપરાંત અમદાવાદમાં આ માટે બે સુસજ્જ ટીમ હતી.
નવકાર પરિવારના ધર્મેશભાઈ શાહે અનુષ્ઠાનની ઐતિહાસિક સફળતા વિશે જણાવ્યું હતું, “ભગવાન મહાવીરની કૃપા અને સાધુ ભગવંતોના આશીર્વાદે જૈનોને એક એવા પુણ્યકારી જાપમાં જોડાવાની તક આપી જે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. ઘણા ત્યાં સુધી કહે છે કે ટેલીવિઝન ચેનલ મારફત ઘેરબેઠા જાપ કરનારા પણ જેમની માહિતી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ નથી, એવા ભાવિકોને ધ્યાનમાં લઈએ તો કુલ જાપની સંખ્યા નોંધાઈ છે તેનાથી ઘણી વધારે હશે.
અમને સંતોષ છે કે હાલના કઠિન કાળમાં અમે ધર્મભાવના વધુ પ્રબળ કરી શક્યા, મહામંત્રના જાપ થકી વિશ્વ આખાને, સમગ્ર જીવસૃષ્ટિને શાતા પહોંચે એ માટે યોગદાન આપી શક્યા. 2014માં અમે મુંબઈમાં યોજેલા જાપમાં લોકો સ્વયં જોડાયા હતા. એ વખતે આયોજન અને ગણતરી કરવી પ્રમાણમાં સહેલી હતી. ઓનલાઇન અનુષ્ઠાનનો આ પ્રથમ અનુભવ હતો. દેવ-ભગવંતોના આશીર્વાદ, અને સબળ ટીમને લીધે અમે લક્ષ્યથી વધારે જાપના સીમાચિહ્નનને આંબી શક્યા. આનો શ્રેય વિશ્વભરના શ્રાવકોજાય છે જેમણે કલ્પના બહાર પ્રતિસાદ આપીને અનુષ્ઠાનને આવી ઊંચાઈ અપાવી.”
જેઓ અનુષ્ઠાનમાં જોડાયા હતા તે સૌને નવકાર પરિવાર અને વર્લ્ડ બુક રેકોર્ડ્સ તરફથી તેમણે કરેલા મહામંત્ર જાપની સંખ્યા દર્શાવતું ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. એ માટે ભાવિકો www.NavkarPariwar.com વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.