નાનકડો જીવ, એક હાથમાં કલમ, બીજામાં નાની બહેનની જવાબદારી; આવા બાળકોને સલામ

નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની નિર્દોષતા અને પ્રેમની સરખામણી કોઈ વસ્તુ સાથે ન થઈ શકે. કેટલાક બાળકો નાની ઉંમરથી જ પોતાનું ધ્યાન રાખતા થઈ જાય છે, જ્યારે ઘણા બાળકો પરિવારની મજબૂરીને કારણે તેમના નાના ભાઈ-બહેનોની સંભાળ રાખે છે. આવો જ એક કિસ્સો મણિપુરમાં સામે આવ્યો છે જ્યાં એક નાની છોકરી તેની નાની બહેનને ખોળામાં લઈને સ્કૂલ પહોંચી હતી. હવે તેની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

ચોથા ધોરણની છોકરીએ કર્યા ભાવુક

આ છોકરીની ઉંમર પણ વધારે નથી, તે લગભગ 10 વર્ષની છે અને ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને તેની બહેન સાથે એટલો બધો પ્રેમ છે કે તેને ઘરે મુકવાને બદલે તે તેને પોતાની સાથે શાળાએ લઈ આવી. આ તસવીર છોકરીનો અભ્યાસ પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવે છે.

આ તસવીર મણિપુરના ઉર્જા, વન અને પર્યાવરણ મંત્રી બિસ્વજીત સિંહે ટ્વિટર પર શેર કરી છે. તેણે લખ્યું છે – ‘છોકરીના અભ્યાસ પ્રત્યેના સમર્પણે મને દંગ કરી દીધો. આ 10 વર્ષની બાળકી ચોથા ધોરણમાં છે. તેનું નામ મેનિંગસિન્લિવ પામેઈ છે, જે મણિપુરના તાઈમેન્ગ્લોંગની છે. તે તેની નાની બહેનને ખોળામાં લઈને શાળાએ પહોંચી કારણ કે તેના માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા છે.’

સરકાર કરાવશે આગળ અભ્યાસ

થોંગમ બિસ્વજીત સિંહની આ પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે. બિસ્વજીત સિંહે માત્ર તેનો ફોટો જ શેર કર્યો ન હતો, પરંતુ તેણે છોકરીના માતા-પિતાનો સંપર્ક કરીને તેને ઇમ્ફાલ બોલાવ્યા હતા. અહીં તેઓ તેના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની વ્યવસ્થા કરશે. હાલ યુવતી ડાલોંગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. માત્ર મંત્રી જ નહીં, ઈન્ટરનેટ પરની આ તસવીરે લોકોને અવાચક કરી દીધા છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Scroll to Top