84 વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે આ 100 વર્ષીય વ્યક્તિ, ગિનીસ બુકમાં નોંધાયું નામ

આજકાલ લોકો પ્રમોશન માટે ઘણી નોકરીઓ બદલી નાખે છે. નોકરી બદલવી એ બહુ સામાન્ય બની ગયું છે. ત્યારે બ્રાઝિલના 100 વર્ષીય વ્યક્તિએ એક જ કંપનીમાં 84 વર્ષ કામ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ માટે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

એક જ કંપનીમાં 84 વર્ષથી કરે છે કામ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, બ્રાઝિલના વોલ્ટર ઓર્થમેન નામના વ્યક્તિએ એક જ કંપનીમાં 84 વર્ષ અને 9 દિવસ કામ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. અખબારી યાદી મુજબ, તેમનો જન્મ બ્રાઝિલના સાન્ટા કેટરીનાના નાના શહેર બ્રુસ્કમાં થયો હતો, જ્યાં મોટી જર્મન વસ્તી છે. વોલ્ટર શરૂઆતથી વાંચવામાં ખૂબ જ સારો હતો. તેમના મગજની શક્તિ ખૂબ જ તેજ હતી અને તેઓ એકાગ્રતાથી કોઈપણ કામ કરતા હતા. 15 વર્ષની ઉંમરે, તેમણે તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું.

ગિનિસ બુકમાં નામ

તેમણે વર્ષ 1938માં વણાટ મિલ, ઈન્ડસ્ટ્રીઝ રેનોક્સથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની યોગ્યતાના આધારે તેમને ટૂંક સમયમાં પ્રમોશન આપવામાં આવ્યું અને સેલ્સ મેનેજર બન્યા. ત્યારથી તે આ કંપનીમાં સેલ્સ મેનેજર છે. છેલ્લા 84 વર્ષથી તેઓ કંપનીમાં કામ કરી રહ્યા છે, જે કંપનીમાં સૌથી વધુ સમય કામ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. તમને જણાવી દઈએ કે હવે આ કંપની Renox View તરીકે ઓળખાય છે.

100 વર્ષની ઉંમરે તે દરરોજ ઓફિસ જાય છે

તાજેતરમાં જ વોલ્ટરે તેનો 100મો જન્મદિવસ પરિવાર અને ઓફિસના લોકો સાથે ઉજવ્યો હતો. આજે 100 વર્ષની ઉંમરે પણ તે દરરોજ કામ પર જાય છે. તેઓ કહે છે કે આપણે આપણી પસંદગીનું કામ કરીએ છીએ તો સમયની ખબર નથી પડતી. તેમના અત્યાર સુધીના જીવન પર નજર નાખતા વોલ્ટરે કહ્યું, ‘મેં ક્યારેય આવો કોઈ રેકોર્ડ તોડવાનું વિચાર્યું ન હતું. જોકે હું તેને મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ માનું છું.

તેણે કહ્યું, ‘હું બહુ પ્લાનિંગ કરતો નથી અને આવતી કાલની મને બહુ ચિંતા નથી. હું ફક્ત એટલું જ ધ્યાન રાખું છું કે આવતીકાલે બીજો દિવસ આવશે જેમાં હું જાગીશ, ઉઠીશ, કસરત કરીશ અને કામ પર જઈશ. તમારે આજની ચિંતા કરવી જોઈએ, ભૂતકાળ કે ભવિષ્યની નહીં.’

 

Scroll to Top