ડોલો-650 દવાનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને મળી 1000 કરોડની ભેટ, દરોડા બાદ આવકવેરા વિભાગનો દાવો

કોરોનાના રોગ દરમિયાન તાવને ઓછો કરવાની લોકપ્રિય દવાનું નામ ડોલો-650 દરેકની જીભ પર આવી ગયું હતું. હવે આ બ્રાન્ડ બનાવનાર કંપની વિશે એક મોટો ખુલાસો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ ડોલો-650 દવા બનાવતી કંપની પર તેના ઉત્પાદનોના પ્રચારના બદલામાં ડોકટરો અને તબીબી વ્યાવસાયિકોને લગભગ રૂ. 1,000 કરોડની મફત ભેટ આપવાનો આરોપ મૂક્યો છે. 6 જુલાઈના રોજ નવ રાજ્યોમાં બેંગલુરુ સ્થિત માઈક્રો લેબ્સ લિમિટેડના 36 જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગે આ દાવો કર્યો હતો.

દરોડામાં રોકડ અને દાગીના જપ્ત કર્યા છે

એક નિવેદનમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે ડ્રગ નિર્માતા વિરુદ્ધ કાર્યવાહી બાદ વિભાગે 1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને 1.40 કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં જપ્ત કર્યા છે. કંપનીએ આ સંબંધમાં માઈક્રો લેબ્સને મોકલવામાં આવેલા ઈ-મેલનો હજુ સુધી જવાબ આપ્યો નથી. સીબીડીટીએ કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં નોંધપાત્ર ગુનાહિત પુરાવા મળ્યા છે અને તે જપ્ત કરવામાં આવ્યા છે.

બ્રાન્ડને પ્રમોટ કરવાની ખોટી રીત

બોર્ડના જણાવ્યા અનુસાર, પુરાવા સૂચવે છે કે જૂથે તેના ઉત્પાદનો/બ્રાંડ્સને પ્રોત્સાહન આપવા માટે અનૈતિક પ્રથાઓ અપનાવી છે. આવી મફતની રકમ આશરે રૂ. 1,000 કરોડ હોવાનો અંદાજ છે. જોકે સીબીડીટીએ હજુ સુધી તેના નિવેદનમાં જૂથની ઓળખ કરી નથી, પરંતુ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે જૂથ માઇક્રો લેબ્સ છે.

Scroll to Top