દેશ પર ભારે પડયા 12 દિવસ, 18 લાખથી વધુ કોરોનાના સક્રિય કેસ, મોતનો આંકડો જાણો શું છે?

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દૈનિક દર છેલ્લા 12 દિવસમાં બમણું થઈને 16.69 ટકા થઈ ગયું છે જ્યારે છેલ્લા એક મહિનામાં સાપ્તાહિક ચેપ દર 13.54 ટકા પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ, રવિવારે ભારતમાં કોરોના વાયરસ ચેપના 2,61,500 નવા કેસ સામે આવ્યા અને 1501 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 18 લાખને વટાવી ગઈ છે.

10 રાજ્યોમાં પરીસ્થિતિ ખરાબ

જાણકારી આપવામાં આવી છે કે દસ રાજ્યો – મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં નવા કેસોમાંથી 78.56 ટકા નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “છેલ્લા 12 દિવસમાં દૈનિક ચેપનો દર આઠ ટકાથી વધીને 16.69 ટકા પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાપ્તાહિક ચેપ દર 3.05 ટકાથી વધીને 13.54 ટકા થઈ ગયો છે.”

મંત્રાલય અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ સાપ્તાહિક ચેપનો દર 30.88 ટકા છે, ત્યારબાદ ગોવામાં 24.24 ટકા, મહારાષ્ટ્રમાં 24.17 ટકા, રાજસ્થાનમાં 23.33 ટકા અને મધ્યપ્રદેશમાં 18.99 ટકા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત

દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 18,01,316 થઈ ગઈ છે, જે કુલ ચેપના 12.18 ટકા છે. પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારતના કુલ સારવાર હેઠળના દર્દીઓ 65.02 ટકા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, 1,38,423 વધુ લોકોના સંક્રમણથી બહાર આવ્યા બાદ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 1,28,09,643 થઈ ગઈ છે. કુલ 1501 મૃતકોમ સર્વાધિક 419 મહારાષ્ટ્રના છે અને ત્યાર બાદ 167 લોકોના મોત દિલ્લીમાં થયા છે.

9 રાજ્યોમાં એક પણ મોત નીપજ્યું નથી

નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 માંથી એક પણ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી. આ રાજ્યોમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણિપુર, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

Scroll to Top