કોઈ પણ ગામમાં સ્કૂલ સાથે બાળકોને અનેરો સંબંધ હોય છે અને પોતાના બાળપણની યાદો અહીં બંધાય છે. બાળપણના મિત્રો, ઘર આંગણે ભણતર, શિક્ષક સાથેનો ગ્રામજનોનો સંબંધ, આવું બધુ જ ગામની શાળા સાથે જોડાયેલું હોય છે. પરંતુ, ક્યારેક અચાનક તંત્ર દ્વારા સ્કૂલ બંધ કરી દેવામાં આવે અને જે સ્કુલમાં બાળપણ જીવવામાં આવ્યું હોય તે, ખંડેર બની જવાની ભીતી સર્જાય તો, કેવું થાય? આવો જ અનુભવ હાલમાં જુનાગઢના શેરગઢ ગામના લોકો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, જુનાગઢના કેશોદના શેરગઢ ગામમાં 133 વર્ષ જુની શાળા બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્કૂલના શિક્ષક બહેને જણાવ્યું કે અમને જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે સ્કૂલ બંધ કરવામાં આવે છે.
જીલ્લા શિક્ષણાધિકારીના આદેશના સમાચાર ટુંક સમયમાં જ ગામમાં ફેલાઈ ગયા, ગ્રામજનોએ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સ્કૂલ અચાનક બંધ કરવાના નિર્ણયથી સ્કૂલના બાળકો અને શિક્ષકો ભાવુક થઈ ગયા હતા. વિદ્યાર્થીઓના આંખમાં રીત સર આંસુ આવી ગયા હતા. બાળકોના આંસુ જોઈ શિક્ષકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. શાળામાં ગમગીન માહોલ સર્જાયો હતો.