મહેસાણામાં હાર્દિકના સમર્થનમાં રામધૂન- પ્રતિક ઉપવાસ કરતાં પાસ કન્વીનરો સહિત 14 પાટીદારોની અટકાયત

મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ શાંત પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇ ફરી સક્રિય બની રહ્યું છે. આજે શીતળા સાતમના તહેવાર વચ્ચે પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં રામધૂન બોલાવી હતી. શહેરના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય પાટીદારો મળીને કુલ 14ની અટકાયત કરી હતી.

એક દિવસના હતા પ્રતિક ઉપવાસ

હાર્દિકના સમર્થનમાં મહેસાણા ટહુકો પાર્ટી પ્લોટ નજીક પાટીદારોએ એક દિવસના પ્રતિક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ યોજી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરંતુ પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમને પોલીસે પરવાનગી આપી ન હતી. છતાં કાર્યક્રમ યોજવા જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી

 

હાર્દિકના ઉપવાસના નવ દિવસ વિત્યા છતાં સરકાર નિષ્ક્રિય રહેતા પાટીદારો મેદાને

નવ-નવ દિવસ બાદ પણ સરકાર તરફથી કોઇ કાર્યવાહી નહીં થતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદારો ફરી મેદાનમાં આવી ગયા છે અને હાર્દિકના સમર્થનમાં ગામેગામ પ્રતિક ઉપવાસ અને ધૂન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શનિવારે પાટીદારોના ઉપવાસના મેસેજ વાયરલ થતાં વિસનગર મામલતદાર કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. તો મહેસાણાના પરામાં રાત્રે રામધૂન યોજાઇ હતી. ઊંઝાના ટુંડાવ ગામે પોલીસે ઉપવાસ સ્થળ સામે વાંધો લેતાં પાટીદારોએ મંદિરમાં બેસીને શિવધૂન કરી હાર્દિકને સમર્થન આપ્યું હતું. તો વિસનગરના વાલમ, દેણપ તેમજ વિજાપુરના રામપુરા કોટ, મોતીપુરા સહિતના ગામોએ પ્રતીક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમ યોજી સરકાર સામે શાંત મોરચો ખોલી દીધો છે. જેને લઇ સરકાર અને પોલીસની ચિંતા વધી ગઇ છે અને આઇબીને વધુ સક્રિય થવા આદેશ કરાયા છે.

ઊંઝા ઉમિયા માતાજીની આજે જનરલ સભા હાર્દિકનો મુદ્દો ચર્ચાશે

ઊંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાનની શનિવારે બપોરે જનરલ સભા મળનાર છે. જેમાં હિસાબો સહિત સૂચિત એજન્ડાની સાથે હાર્દિક પટેલને સમર્થનનો મુદ્દો પણ ચર્ચાય તેવી શક્યતા છે. આ મુદ્દો ચર્ચામાં લેવા માટે યુવા સંગઠન દ્વારા લેખિત અપાયું છે. વાર્ષિક જનરલ સભા રવિવારે બપોરે 2 કલાકે ઉમેશ્વર હોલમાં યોજાનાર છે. જેમાં વાર્ષિક હિસાબો સહિતના એજન્ડા લેવાશે. સાથે હાલમાં હાર્દિક પટેલના ઉપવાસને લઇ ઊંઝા એ.કે.પી.યુવા સંગઠનના સહમંત્રી પટેલ મહેન્દ્રભાઈ કાન્તિલાલે ઉમિયા માતાજી સંસ્થાનને પાટીદારોના હિત માટે જનરલ સભામાં ઠરાવ કરી સરકારને મોકલી આપવા બાબતે લેખિત અરજી કરી છે જે અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.

હાર્દિકને મળવા આવતા પાટીદારોની સાબરકાંઠામાં અટકાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામથી માં ઉમિયાના રથા સાથે 3 હજાર પાટીદારો અને ખેડૂતો અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે પદયાત્રીઓને મંજૂરી મેળવીને જવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો હતો. જેના વિરોધમાં માતાજીનો રથ લઈને નીકળેલા પાટીદારો અને ખેડૂતો જેમાં મહિલાઓ પણ સામે છે તેઓ રોડ પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top