અચાનક ખાતામાં આવી ગયા 18 કરોડ રૂપિયા, વિદ્યાર્થિનીએ બધા રૂપિયા ખર્ચી નાખ્યા અને પછી…

બેંકની ભૂલના કારણે એક છોકરીને કરોડો રૂપિયાની ખરીદી કરવાનો મોકો મળ્યો હતો. તેણે પોતાના ખાતામાંથી 18 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. તેના ખાતામાં આટલા પૈસા ન હોવા છતાં. ખરેખરમાં બેંકે યુવતીને ભૂલથી અનલિમિટેડ ઓવરડ્રાફ્ટ આપી દીધો હતો.

તમને જણાવી દઇએ કે ઓવરડ્રાફ્ટ એક નાણાકીય સુવિધા છે. જેના દ્વારા તમે તમારા બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન હોય છે, જે નિર્ધારિત સમયમાં ચૂકવવી પડે છે. ઓસ્ટ્રેલિયાની વેસ્ટપેક બેંકે આકસ્મિક રીતે ક્રિસ્ટીન જિયાક્સિન નામના વિદ્યાર્થિનીને આ ઓવરડ્રાફ્ટ સુવિધા આપી હતી અને તે પણ અમર્યાદિત.

મૂળ મલેશિયાની 21 વર્ષની ક્રિસ્ટીન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગઈ હતી. આ દરમિયાન વેસ્ટપેક બેંકે ભૂલથી ક્રિસ્ટીનના ખાતામાં અમર્યાદિત ઓવરડ્રાફ્ટ સુવિધાને મંજૂરી આપી હતી.

બેંકને જાણ કર્યા વિના ખરીદીમાં પૈસા ખર્ચો!

ક્રિસ્ટીનને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે બેંકને જાણ કર્યા વગર જ શોપિંગમાં પૈસા ઉડાડવા માંડ્યા. ક્રિસ્ટીને જ્વેલરી, પાર્ટી, ટ્રાવેલ, ડિઝાઈનર હેન્ડબેગમાં કરોડો રૂપિયા ખર્ચ્યા. તે વૈભવી જીવન જીવવા લાગી. આટલું જ નહીં ક્રિસ્ટિને એક મોંઘો એપાર્ટમેન્ટ પણ લીધો હતો. આ સાથે લગભગ 2.5 લાખ રૂપિયા તેના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ધ સન અનુસાર લગભગ 11 મહિના સુધી ક્રિસ્ટીન બેંકમાંથી છેતરપિંડી અને પૈસા પડાવતી રહી. જોકે આ વાતનો ખુલાસો થતાં ક્રિસ્ટીનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો તો ક્રિસ્ટીન પરના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા. તેને ફરિયાદીઓ દ્વારા રહસ્યમય રીતે છોડવામાં આવી હતી.

તેના ખુલાસામાં ક્રિસ્ટીને કહ્યું કે મને લાગ્યું કે મારા માતા-પિતાએ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યાં જ તેના વકીલે દલીલ કરી હતી કે ક્રિસ્ટીન છેતરપિંડી માટે દોષિત નથી કારણ કે બેંકે ભૂલ કરી હતી. બીજી તરફ ક્રિસ્ટીનના બોયફ્રેન્ડ વિન્સેન્ટ કિંગે દાવો કર્યો હતો કે ક્રિસ્ટીન પાસે કેટલી મોટી રકમ હતી તે અંગે તે અજાણ હતો. બાદમાં ક્રિસ્ટીન સિડનીથી મલેશિયામાં તેના ઘરે રહેવા ગઈ. જો કે તપાસ એજન્સીઓએ ક્રિસ્ટીન પાસેથી 9 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરી હતી.

Scroll to Top