અમદાવાદ: એગ્ઝિમા (ખરજવું)થી કંટાળીને 24 વર્ષીય આકાશ શાહ નામના યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો. મંગળવારે પોલીસે સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. ધોરણ 8માંથી ડ્રોપઆઉટ લેનારા આકાશને 8 મહિના એગ્ઝિમા હોવાની જાણ થઈ હતી. આખા શરીર પર આવતી અસહ્ય ખંજવાળથી આકાશ કંટાળી ગયો હતો. છેલ્લા 4 દિવસથી સ્થિતિ વધારે ખરાબ થતાં યુવકે સાબરમતીમાં પડતું મૂક્યું.
આકાશના ભાઈ સુહેલે સાબરમતી રિવરફ્રંટ વેસ્ટ પોલીસને જણાવ્યા પ્રમાણે, “સોમવારે રાત્રે તે ઘરેથી નીકળી ગયો હતો અને તે સ્ટ્રેસમાં હતો. ઘરે કોઈની સાથે વાત પણ નહોતો કરતો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે આકાશ ઘરેથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું. એટલે હું તેને શોધવા નીકળી પડ્યો. એગ્ઝિમાને કારણે તે ખૂબ પરેશાન રહેતો હતો.” મૃતક આકાશ ખાડિયામાં આવેલી માંડવીની પોળમાં રહેતો હતો. મંગળવારે સાબરમતી રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે.
જ્યારે સુહેલ આકાશને શોધતો શોધતો એલિસબ્રિજ પહોંચ્યો ત્યારે તેણે આકાશને બ્રિજના ફૂટપાથ પર ચાલતો જોયો. સુહેલે તેનું નામ લઈને બૂમ પાડી ત્યારે આકાશ દોડીને નદીમાં કૂદી ગયો. સુહેલ પોતાના ભાઈને બચાવવા પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી. પરંતુ તેઓ મંગળવારે સવારે આકાશનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી શક્યા.
સુહેલે જણાવ્યું કે, “મારો ભાઈ એગ્ઝિમાથી પીડાતો હતો અને તે ખૂબ અસહ્ય હતું. તેને પેટ પર ખૂબ ખંજવાળ આવતી હતી. ઘણાં બધાં ડોક્ટર્સને બતાવ્યા છતાં પરિણામ શૂન્ય મળ્યું હતું.” રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું કે, “આકાશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પિટલ મોકલાયો છે. આકાશના ખિસ્સામાંથી કે તેના ઘરેથી કોઈ સૂસાઈડ નોટ મળી નથી.”