અમદાવાદઃ આ વર્ષની શરુઆતમાં જ શહેરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા એક હોનહાર વિદ્યાર્થીને ચાલુ ક્લાસે છાતિમાં દુખાવો ઉપડતા 108માં લઈ જવો પડ્યો હતો. બાદમાં હોસ્પિટલમાં લઈ જવાતા ખબર પડી કે યુવાનની ત્રણેય ધમનીઓમાં બ્લોકેજ હતું અને તેના કારણે મેસિવ હાર્ટ અટેક આવ્યો હતો. આવા કિસ્સા અમદાવાદમાં ભાગ્યે બનતા કિસ્સાઓમાં નથી પરંતુ દરરોજ બનતા કિસ્સાઓ છે. જે ચિંતાનું મોટું કારણ છે.
108ના ડેટાને તપાસતા અમદાવાદ જ નહીં સમગ્ર રાજ્યમાં હાર્ટ અટેકને લગતી ઈમરજન્સીમાં એકસાથે ખૂબ વધારો થયો છે. 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રતિ 10 મિનિટે એક કોલ છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને આવે છે. એટલે કે એક કલાકમાં આવા 6 ઈમર્જન્સી મદદ માગતા ફોન આવે છે. જે પૈકી ઓછામાં ઓછા 3 કોલના કિસ્સામાં વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો હોય છે. વર્ષ 2010-11માં હૃદય રોગને લગતી 18,647 ફરિયાદ નોંધાઈ હતી. જે વધીને વર્ષ 2017-18માં 26,529 સુધી પહોંચી ગઈ છે.
ચિંતાનું મોટું કારણ એ છે કે 2017-18માં આ હૃદય રોગના કોઇને કોઈ કારણને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 48% પેશન્ટ 50 વર્ષથી નાની ઉંમરના છે. તેમાં પણ ખાસ કરીને 31-50 વર્ષની જૂથના વ્યક્તિઓ વધુ છે. શહેરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલે કહ્યું કે, ‘હૃદય રોગને લગતી ફરિયાદના હકીકતના આંકડા આ ડેટા કરતા પણ વધારે હોઈ શકે છે.’
ડૉ. પટેલના જણાવ્યા અનુસાર 108 ઉપરાંત ઘણા લોકો પોતાની જાતે અથવા હોસ્પિટલને કોલ કરીને પણ આવા કિસ્સામાં ઈમર્જન્સી સહાય માગે છે. આજના સમયમાં યંગ જનરેશન અને મિડલ એજના લોકોમાં હૃદય રોગના લક્ષણો વધારે પડતા જોવા મળે છે. તેનું કારણ છે કે આ વય જૂથના લોકો હૃદય રોગના કોઈ લક્ષણને એસિડિટી ગણીને નકારી કાઢે છે જ્યારે સીનિયર સિટિઝન આવી વૉર્નિંગને ખૂબ સીરિયસ લે છે જેથી તેમના બચવાના ચાન્સ વધી જાય છે.’
અન્ય એક હાર્ટ સર્જન ડૉ. સમીર દાણીએ કહ્યું કે, ‘આજકાલની લાઇફસ્ટાઇલ અને હાઈસ્ટ્રેસના કારણે નાની ઉંમરમાં હાર્ટ અટેક ખૂબ કોમન થઈ ગયા છે. મારી પાસે એવા ઘણા ફેમિલી છે જેમના દાદાની સાથે પૌત્રની પણ હૃદય રોગની સારવાર હું કરી રહ્યો છું.’ આ ઉપરાંત ઘણા હૃદય રોગ નિષ્ણાંતોનું માનવું છે કે ગુજરાતી પ્રજાએ ખાસ કરીને હૃદય રોગ અંગે સાવધાન થવાની જરુર છે. તેમાં પણ માવા-ફાકી અને સિગારેટ અને જંક ફૂડથી દૂર રહેવા અને નિયમિત એક્સર્સાઇઝ કરવાની જરુર છે.