અંહીના પંજોખરા સાહિબમાં ગુરુવારે 3 વર્ષનો એક બાળક 30 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. આજુ-બાજુના લોકોને જાણ થતાં જ હોબાળો થઈ ગયો હતો. લોકોએ આ વિશે પોલીસને માહિતી આપી હતી. આ દરમિયાન એક ખેડૂત રણધીર સિંહે બાળકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે એક સળિયા અને દોરડાની મદદથી માત્ર 45 મિનિટમાં જ બાળકને બહાર કાઢી દીધો હતો. બાળકનું નામ કર્ણ છે.
પંજોખરા સાહિબના ખેતરમાં એક મહિલા તેના બાળકને લઈને ખેતરમાં ઘાસ કાપવા આવી હતી. તેણએ બાળકને બાજુમાં બેસાડીને ઘાસ કાપવાનું શરૂ કર્યું. આ દરમિયાન સવારે સવા દસ વાગે કર્ણ રમતાં રમતાં 12 ઈંચ પહોંળા બોરવેલ પાસે પહોંચ્યો હતો. ત્યાં ઢાળ હોવાના કારણે બાળક લપસીને 30 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો હતો.
સળિયાને બાળકના કપડાંમાં ફસાવ્યો
રણધીરે ગામના લોકોને એક સળિયો અને દોરડું લાવવા કહ્યું હતું. ત્યારપછી તેમણે સળીયાને યુ આકારમાં વાળી દીધો હતો. ત્યારપછી દોરડું ધીમે ધીમે નીચે ઉતાર્યું અને તેને ગોળ ગોળ ફેરવતાં રહ્યા હતા. જેથી સળીયો બાળકના કપડાંમાં ફસાઈ જાય. રણધીરે જણાવ્યું કે, જ્યારે મને અહેસાસ થયો કે સળીયાનો એંગલ બાળકના કપડામાં ફસાઈ ગયો છે તો મેં દોરડાને ફરી ફેરવ્યો જેથી સારી પકડ બની જાય. ત્યારપછી દોરડાને ધીમે ધીમે ખેંચવાનું શરૂ કર્યું. બાળકને ઉપર લાવવામાં 45 મિનિટ જેટલો સમય લાગ્યો.
ગળા સુધી પાણીમાં ફસાઈ ગયો હતો છોકરો
રણધીરે જણાવ્યું કે, પહેલાં બાળકનો માથા વાળા હિસ્સો ઉપર આવ્યો. તે ગળાં સુધી પલળી ગયો હતો. ઉંધો પડ્યો હોત તો મોઢું પાણીમાં ડુબી જાત અને તેના કારણે તેનો જીવ પણ જઈ શકતો હતો. બોરવેલમાંથી બાળકને બહાર કાઢ્યા પછી પ્રાથમિક સામુદાયિક કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે ઉલટીઓ કરી હતી. ત્યારપછી તેને અંબાલા કેન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સે જણાવ્યું કે, જો બાળક એક કલાક વધારે બોરવેલમાં રહ્યો હોત તો તેનો જીવ જઈ શકતો હતો. કારણકે ગળાથી નીચેનો ભાગ લાંબો સમય પાણીમાં રહ્યો હોવાથી શરીર ઠંડુ પડવા લાગ્યું હતું.
12 વર્ષ પહેલાનો દેશનો સૌથી ચર્ચિત કેસ
12 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના હલ્દાહેડીમાં 60 ફૂટ ઉંડા બોરવેલમાં 5 વર્ષનો પ્રિન્સ પડી ગયો હતો. સેનાએ અંદાજે 50 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને તેને બહાર કાઢ્યો હતો. ગુરુવારે થયેલી ઘટના તેનાથી અંદાજે 12 કિમી દૂર થઈ હતી.
30 ફૂટ ઉંડા બોરવેલમાં બાળક પડી ગયો હતો