PM મોદીના માત્ર કલાકોના રાજકોટ રોકાણ માટે 25000ની ભીડ ભેગી કરવા 300 ST બસો મુકાશે

રાજકોટઃ 30મીએ ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ અને ચૌધરી હાઈસ્કૂલમાં આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે ત્યારે પીએમના કાર્યક્રમમાં 25 હજારથી વધુ માનવમેદની ભેગી કરવા એસ.ટી ડિવિઝનની 100 સહિત કુલ 300 એસ.ટી બસો ફાળવાઇ છે.

દર વખતે સામાન્ય રીતે સરકારી કાર્યક્રમમાં એસ.ટી બસો મફત દોડાવવી પડતી હોય છે પરંતુ આ વખતે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવાયેલી તમામ બસનું ભાડું એડવાન્સ ચૂકવી દેવાયું છે.

મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે

એકસાથે 300 એસ.ટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં લઇ લેવાતા 1 હજારથી વધુ રૂટ રદ થશે અને મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.

રાજકોટ ડિવિઝનની 100 જેટલી બસ શહેરના જુદા જુદા વોર્ડમાં ફાળવી દેવાશે અને જુનાગઢ, અમરેલી અને જામનગર એસ.ટી ડિવિઝનની બસ જિલ્લાના ગામડાઓમાંથી લોકોને રાજકોટ લાવવા માટે ઉપયોગમાં લેવાશે. રાજકોટના કાર્યક્રમ ઉપરાંત કચ્છમાં યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ માટે પણ ત્યાંના ડિવિઝનોની બસ ફાળવી દેવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top