દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે પ્રદૂષણ માટે પરાલી સળગાવવાને જવાબદાર ઠેરવતા નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે 5 સ્ટાર હોટલમાં બેસીને ખેડૂતોને દોષી ઠેરવવો ખૂબ જ સરળ છે. કોર્ટે આ ટીપ્પણી દિલ્હી સરકારની દલીલ પર કરી હતી.
દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે બધા જાણે છે કે બે મહિનામાં પરાલી સળગાવવાની ઘટના ચરમ પર છે. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવું એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તેના પર ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે અમે ખેડૂતોને સજા કરવા નથી માંગતા, અમે ઇચ્છીએ છીએ કે સરકાર તેમને પરાલી ન બાળવાની અપીલ કરે.
દલીલ કરતાં સિંઘવીએ કહ્યું કે તમને જણાવવું એ અમારું કર્તવ્ય છે કે પરાલી સળગાવવું એ પણ પ્રદૂષણનું કારણ છે. આ પછી કોર્ટે કહ્યું, ‘આખરે ખેડૂતે કેમ પરાલી બાળવી પડે છે? 5 સ્ટાર હોટલના એસી રૂમમાં બેસીને ખેડૂતોને દોષ આપવો ખૂબ જ સરળ છે. કોર્ટે એમ પણ કહ્યું કે સરકારોએ પરાલીને લઈને કેટલીક વ્યવસ્થા કરવી જોઈએ. યુપી, પંજાબ અને હરિયાણા માટે માત્ર અમુક ગામડાઓમાં જ પરાલી સળગાવવામાં આવે છે. આ માટે ખેડૂતોને સજા કરવાની જરૂર નથી. આ મામલામાં આગામી સુનાવણી હવે 24 નવેમ્બરે થશે.