હોશિયારપુર: ગામોમાં નશાના કળણમાં ફસાયેલા યુવકોનાં મોત અને તેમના ઘરની દયનીય હાલતે કૌશલ ઉર્ફ બીરા અને તેના 61 મિત્રોને એ રીતે ખળભળાવી નાખ્યા કે તેમણે એક ‘દોસ્ત ગ્રુપ’ બનાવી લીધું જે આજકાલ હોશિયારપુરના ગામો અને કસ્બાઓમાં તે પરિવારોના યુવકોને સુધારી રહ્યા છે જે નશાખોરીના ચક્કરમાં ફસાયા છે.
આ ગ્રુપના પ્રબંધક વીર કૌશલે જણાવ્યું કે ગામ નંગલ શહીદાં અને બસ્સી હસ્તખાંના યુવકોએ મળીને નશા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. આ ગ્રુપ યુવકોને નશાથી દૂર રહેવા માટે ગામોમાં જઇને તેમને પોતાની સાથે જોડે છે અને તેમને પોતાના તરફથી ખોલવામાં આવેલા જિમમાં પ્રેક્ટિસ કરાવે છે. ગ્રુપના મેમ્બર્સ બીજા ગામોમાં જઇને ત્યાં નશો કરનારા યુવકોને નશો ન કરવા માટે સમજાવે છે ને તેમને જિમ સહિત વિવિધ રમતો સાથે જોડે છે.
3 વર્ષ પહેલા બે યુવકોનાં મોતથી ખળભળી ગયાં તો બનાવ્યું ગ્રુપ
બજવાડા અને દીપા રવિદાસનગર હોશિયારપુર વગેરે ગામના યુવકોએ જણાવ્યું કે 62 યુવકો અલગ-અલગ ગામો અને કસ્બાઓમાંથી આવે છે. ગ્રુપના 15 જેટલા મેમ્બર્સ પહેલવાની કરે છે અને બે ડઝન જેટલા મેમ્બર્સ ફૂટબોલના ખેલાડી છે. તમામ યુવક પોતપોતાનો કારોબાર કરી રહ્યા છે.
વીર કૌશલે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા ગામ કેમ્પના બે યુવકોનાં મોત નશાના કારણે થયા. ત્યારે તેમનાથી તે યુવકોના પરિવારનું દુઃખ જોઇ ન શકાયું. તે પરિવારોનું દર્દ એટલું અસહ્ય હતું કે તેમણે નિર્ધાર કરી લીધો કે નશોખોરીના ચક્કરમાંથી થઇ શકે તેટલા યુવકોને બહાર કાઢવા અને અન્ય યુવકોને તેનાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવા.
યુવકો ફરી નશો ન કરે એટલે તેમને સાથે રાખીએ છીએ, પહેલવાની કરાવીએ છીએ
હોશિયાર ભલવાને જણાવ્યુંકે નશાના કારણે ગામો અને કસ્બાઓના સામાજિક સંબંધો પણ તૂટી રહ્યા છે. નશામાં ધૂત અનેક નવયુવાનો પોતાના ઘરોમાં જ પોતાના પરિવારના સભ્યોના દુશ્મન બનેલા છે. ગામોમાં હાલત વધુ બદતર છે. નશા માટે યુવકો પોતાના ઘરની મહિલાઓને પણ હેરાન કરે છે. પછી તે કોઇની મા હોય, બહેન હોય કે પત્ની. ઘરો બરબાદ થઈ રહ્યા છે.
અમારા ગ્રુપના સભ્યો આવા યુવકોને પોતાના દોસ્ત બનાવીને તેમને નશો છોડવા માટે મનાવી લે છે અને તેને નશાથી દૂર રાખવા માટે હંમેશાં પોતાની સાથે રાખે છે. જિમમાં પ્રેક્ટિસ કરાવે છે. પહેલવાની કરાવે છે. તેણે જણાવ્યું કે તેમના ગ્રુપના 6 યુવકોને નશાનું એવું વળગણ હતું કે તેમણે મોંઘા નશા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા. પરંતુ જ્યારે આ 6 યુવકો તેમના સંપર્કમાં આવ્યા તો તેમણે તેમને જોઇને નશો કરવાનું છોડી દીધું અને હવે તેઓ તેમની સાથે આવા યુવકોને પોતાનું ઉદાહરણ આપે છે અને સમજાવે છે કે નશો ફક્ત જીંદગી બરબાદ જ કરે છે.