આણંદના ચરોતરમાંથી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. આપણે ગાયને માતા માનીએ છીએ અને તેમાં ભગવાનનો વાસ પણ માનીને છીએ અને તેની પૂજા પણ આપણે કરીએ છીએ. પરંતુ તેમ છતાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં આપણે નાંખીએ છીએ જેનાથી ગાય માતા તેને આરોગીને કચરો પેટમાં સંગ્રહ કરી છે. તેના કારણે તેને માંદગીનો પણ સામનો કરવો પડે છે.
આવી જ એક ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, આણંદ વેટરનરી વિભાગ દ્નારા કરાયેલા ઓપરેશનમાં એક ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો કચરો કાઢવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરનરી વિભાગ દ્વારા પ્રતિ અઠવાડિયામાં બેથી ત્રણ ગાય આવી મળી જાય છે કે, જેના પેટમાં પ્લાસ્ટીક હોય છે. આણંદ વેટરનરી વિભાગ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવે છે અને તેની સાથે 15 થી 20 કિલો જેટલું પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે. જેના કારણે તમે જોઈ શકો છો આપણે ફેકલ પ્લાસ્ટિકથી ગાયને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જ્યારે તાજેતરમાં આ આણંદ વેટરનરી વિભાગ દ્નારા સૌથી જટીલ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે સૌથી લાંબા સમય સુધી ચાલ્યું હતું. કેમકે ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવ્યું હતું. આ મામલે વિભાગના હેડ ડો. પિનેશભાઈ પરીખ દ્વારા આ અંગે કહેવામાં આવ્યું હતું કે, ગાયનું સરેરાશ વજન 400 કિલો હોય છે અને ગાયમાંથી 77 કિલો પ્લાસ્ટીકનો જથ્થો મળી આવ્યો છે. જેમાં કોથળીઓની સાથે આઈસ્ક્રીમની વાટકીઓ અને ચમચીઓ પણ મળી આવી છે અને પ્લાસ્ટીકનો જથ્થો જ્યારે પેટમાં જાય છે ત્યારે પશુનો આહાર ઓછો થઈ જાય છે.
તેની સાથે તેને અનેક શારીરિક મુશ્કેલીઓનો અનુભવ થાય છે. ગાયને અવાર-નવાર ગેસ થવો, પાચનક્રિયા મંદ પડી જવી તથા પશુ બીમાર હોય તેવો તેનો વ્યવહાર થઈ જાય છે. આવા સમયે તેની તાત્કાલિક સારવાર જરૂરી છે. જો ના કરવામાં આવે તો તેની તબિયત વધુ બગડે છે.
આ બાબતને લઈને ડોક્ટર દ્વારા વધુ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, ગાય પાળેલી હોય કે પછી રખડતી હોય તેના પેટમાં પ્લાસ્ટીકનું પ્રમાણ કેટલું રહેલ છે જો તમે તેને જાણવા માંગો છો તેના માટે એક પ્રયોગ રહેલ છે. સૌથી પહેલા ગાયના પેટના ડાબા પડખે હાથ મૂકીને દબાવવો. જો પેટના ડાબા પડખે હાથના પંજાનો નિશાન રહી જાય છે તો સમજવું કે પેટમાં પ્લાસ્ટીક રહેલ છે. આવા સંજોગોમાં તેને તરત જ સારવાર અર્થે તબીબો પાસે લઈ જવી જરૂરી છે.