અમદાવાદમાં 8 વર્ષના બાળક પર કૂતરાના ટોળાએ હુમલો કર્યો, સારવાર દરમિયા મોત

અમદાવાદ. શહેરમાં માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાની સાથે કૂતરાઓની સમસ્યા પણ ગંભીર બની રહી છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં 8 વર્ષના બાળકનું ચારથી પાંચ કૂતરા કરડવાથી મોત થયું હતું. આ મામલે વેજલપુર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 17 ડિસેમ્બરે સાંજે 5.30 વાગ્યે વિશાલા સર્કલ પાસે એક ખુલ્લા મેદાનમાં બની હતી. જુહાપુરામાં ગાંધી સ્મૃતિ સોસાયટી પાસે ફૂટપાથ પર ભીમજીભાઈ મારવાડી પરિવાર સાથે રહે છે. તેમના 8 વર્ષના પુત્ર પ્રકાશને વિશાલા સર્કલ પાસેના ખેતરમાં ચારથી પાંચ કૂતરાઓએ ઘેરીને હુમલો કર્યો હતો. છોકરાને ચારથી પાંચ કૂતરાઓએ ઘેરી લેવાથી અને કરડવાથી તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 18 ડિસેમ્બરે રાત્રે 8.30 કલાકે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ લોકોને કૂતરા કરડવાના બનાવો નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનના ચોપડે 2019માં 65881, 2020માં 51244, 2021માં 50668 અને 2022માં (ઓક્ટોબર સુધી) 47187 કૂતરા કરડવાના આંકડા નોંધાયા છે. શહેરમાં શેરી કૂતરા દ્વારા નાના બાળકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ઘટનાઓ વધી રહી છે. કૂતરા કરડવાથી આઠ વર્ષના બાળકના મૃત્યુની ઘટનાઓએ અધિકારીઓને આ સમસ્યા અંગે વિચારમાં મુકી દીધા છે.

Scroll to Top