થોડા સમય ૫હેલા ડભોઇ પાસે નર્મદા મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનની હાજરીમાં મેદની એકત્ર કરવા માટે ભાડે કરાયેલી ST ની બસોનું કુલ ભાડુ અધધ રૂ.ર.૩૪ કરોડ જેટલું થયું હોવાનો ખૂલાસો RTI માં થયો છે.
વડોદરાના RTI વિકાસ મંચ દ્વારા કરવામાં આવેલી એક RTI માં બહાર આવેલી વિગતો મુજબ ડભોઈ ખાતે ત્રણ મહિના અગાઉ નર્મદા મહોત્સવ અંતગર્ત સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે વિવિધ જિલ્લામાંથી આશરે 1400 બસ ભાડે કરવામાં આવી હતી.
તેના ભાડા પેટે રૂ.૨,૩૪,૭૫,૦૦૦ નો ખર્ચ કરાયો હતો. અપાયેલી માહિતી અનુસાર તા.૧૭-૯-૧૭ના રોજ ડેમ લોકાર્પણ માટે એસટીની ૧૪૦૦ બસો ફાળવવામાં આવી હતી. વિકાસ મંચનું કહેવું છે કે એક માત્ર કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા બસો ફાળવી જંગી ખર્ચ કરી નાંખ્યો હતો. અને ગ્રામ વિસ્તારોમાં તે દિવસે બસો નહી મળતાં લોકોને તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો હતો.