સફળતા સરળતાથી મળતી નથી. તે માટે સખત મહેનત અને લગન જરૂરી બને છે. પરંતુ દેશના સૌથી ધનિક બનવામાં આટલું પૂરતું નથી, તેનાથી આગળ જવું પડે છે. આ જ મંત્ર છે જે દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઇ અંબાણી પાસે શીખ્યા છે.
એક અનુભવી પિતા તરીકે ધીરુભાઇએ કેટલીક વાતો તેમના પુત્રોને જણાવી હતી. મુકેશ અંબાણીએ શિખામણ બરાબર પચાવી અને આજે તેઓ દેશનૌ સૌથી ધનિક બિઝનેસમેન તરીકે વિશ્વવિખ્યાત છે.
મુકેશ અંબાણી પોતાની કોઇ સ્પીચ કે ઇન્ટરવ્યુ વખતે પોતાના પિતાની આવી સચોટ વાતોનો ઉલ્લેખ કરતા હોય છે. તાજેતરમાં તેમણે નાસ્કોમ લીડરશીપ ફોરમની મીટિંગમાં પણ એવી કેટલીક વાતો જણાવી હતી જેને પોતાના પિતા પાસેથી શીખી હતી.
મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, પોતાના પિતા પાસેથી શીખેલી વાતો તેમને સૌથી સફળ બિઝનેસમેન બનવામાં ખૂબ ઉપયોગી બની છે. 19 એપ્રિલે મુકેશ અંબાણીના બર્થડે નિમિત્તે અહીં ધીરુભાઇની એવી 5 વાતો રજૂ કરી છે જેને તેમના જ્યેષ્ઠ પુત્ર મુકેશ અંબાણીએ પોતાની વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત જિંદગીમાં સુપેરે અપનાવી છે.
બિઝનેસમાં રીલેશનશીપ નહિ પાર્ટનરશીપ ચાલે છે
રિલાયન્સ જિયોના લોન્ચિંગ પછી પોતાના એક ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ધીરુભાઇ તેમની સાથે પોતાના પુત્ર તરીકે નહિ પરંતુ પાર્ટનરની જેમ વર્તાવ કરતા હતા. તેઓ કહેતા હતા કે બિઝનેસમાં રીલેશનશીપ નહિ પરંતુ પાર્ટનરશીપ ચાલે છે. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના સંતાનોને પણ બિઝનેસમાં પાર્ટનર ગણે છે.
એક બિઝનેસમેનને ખ્યાલ હોય છે કે શું કરવાનું છે
કોઇ પણ કામ શરૂ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઇએ કે તમારું લક્ષ્ય શું છે. તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. કોઇ લક્ષ્ય રાખ્યા વિના સફળતા હાંસલ થઇ શકતી નથી. પોતાના પિતા પાસેથી તેઓ આ શીખ્યા છે એમ મુકેશ અંબાણી માને છે.
નિષ્ફળતાથી ડરો નહિ, તેમાંથી શીખો, ક્યારે હાર ના માનો
દરેક વ્યક્તિને સફળતા અને અસફળતાનો સામનો કરવો પડે છે. તેથી અસફળતાથી ડરવું નહિ જોઇએ પરંતુ તેનો સામનો કરવો જોઇએ. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, તેમને પણ બિઝનેસમાં ઘણીવાર નિષ્ફળતા મળી છે પરંતુ પિતાના શબ્દો તેમને વિશ્વાસ અપાવે છે.
હંમેશા પોઝિટિવ રહો
તમે ભણો કે કામ કરો, હંમેશા પોઝિટિવ રહેવું જરૂરી છે. આ એપ્રોચની સાથે આગળ વધશો તો સફળતા મળશે. તમારી પાસે અનેક નેગેટિવ લોકો હશે પરંતુ તમારે તો પોઝિટિવિટી ફેલાવવાની છે અને પોઝિટિવ રહીને ચાલવાનું છે.
સારી ટીમ પસંદ કરો
એક સારી ટીમ વગર તમે કશું નથી કરી શકતા. તેથી સારા લોકોની ટીમ બનાવીને કામ કરો. આ ટીમ સાથે મહેનતથી લાગી જાવ, જે સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. સારી ટીમ તમારી જુસ્સો વધારી દે છે અને મહેનતને સફળ બનાવે છે.