વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ ‘નિયમ’ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ‘ધર્મસંગત આચરણ’ એવો અર્થ થાય છે.
અષાઢ સુદ અગિયારસથી કુમારિકાઓને મનભાવન ભરથાર (પતિ) પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવતું જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ રહી છે.
ત્યારે આપણે આ બંને વ્રતો વિશે થોડું જાણીએ.
શિવપુરાણની કથા: શિવપુરાણની કથા મુજબ હિમાલય પુત્રી પાર્વતીએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યાં હતાં. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી.
ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરે છે.
અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમાં સુધી પાંચ દિવસનું ગૌરીવ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે.
આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જવારા’નું પૂજન કરવામાં આવે છે. પકવેલાં રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય, ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે.
અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યોથી ખેતરો (ધરતીમાતા) લહેરાતા હોય છે.
માતા પાર્વતીનું પ્રતીક ‘જવારા’: ‘જવારા’ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલાં’ બનાવી જવારાને ચઢાવાય છે. ‘નાગલાં’ શિવનું પ્રતીક છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે.
માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ વ્રતના અનુસંધાનમાં આપણાં સારસ્વત કવિ શ્રી રમેશ પારેખે એક સૂચક ગીત લખ્યું છે: ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા,
પણ નાગલાં ઓછા પડ્યા રે લોલ.
વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને, વાવેલા ‘જવારા’ અને ‘નાગલાં’ પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે.
મંદિરે આવી જવારાને નાગલાં ચઢાવી અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાતે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે.
પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળા વ્રત-મોળાકત’ કહે છે.
પાંચ દિવસનાં બંને વ્રતો જ્યારે પૂરાં થાય છે ત્યારે પાંચમાં દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ-પાર્વતીની ઉપાસના કરે છે.
જાગરણ પછીના છઠ્ઠા દિવસના પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે.
વ્રતનું ઊજવણું: સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઊજવણું કરવામાં આવે છે. ઊજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યચિહ્નોનું દાન કરવામાં આવે છે.
ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.
તો આવો, આપણે સૌ આ વ્રતના અધિષ્ઠાતા શિવ-પાર્વતીને પ્રાર્થના કરીએ: હે પિતા! હે માતા! તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંચ્છિત ફળ આપજો!
જયા પાર્વતી વ્રતનો પ્રારંભ 14 જુલાઈને રવિવારથી થઈ રહ્યો છે. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે અહીં જણાવાયું છે.
જ્યા પાર્વતીવ્રતને વિજ્યાવ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહીત મહિલાઓ અને કુંવારીકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી, વિવાહીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે.
વ્રત દરમ્યાન શું શું કરવું અને શું શું ન કરવું.
જયાપાર્વતીવ્રત અષાઠ શુકલ પક્ષની તેરસે શરૂ કરીને કૃષ્ણપક્ષની તૃતિયા સુધી એમ પાંચ દિવસ ચાલે છે.
વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણ માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા ઊગી જાય ત્યારબાદ જયાપાર્વતીવ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય કાંઠાગોરનું પૂજન કરવું, જુવારાનું પૂજન કરવું, રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે.
જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો. મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરવા.
વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
વ્રત દરમ્યાન મીઠું અને લોટની વસ્તુ ખાવાની મનાઇ છે.
વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતરમનને જાગૃત કરવાની વાત છે.
વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નૌજવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે.
વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે.અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય, તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનું મહત્વ છે.