ડ્રાઈવર નિવૃત્ત થતાં કલેક્ટર જાતે કાર ચલાવીને ઘરે મુકવા ગયા

જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય તો તે દિવસ તેના માટે ખાસ હોય છે. તમિલનાડુમાં કરૂર જિલ્લાના પરામાસિવમ માટે આ દિવસ ત્યારે વધારે ખાસ થઈ ગયો જ્યારે કલેક્ટરે પરામાસિવમને નિવૃત્ત થવા પર ખુદ ગાડી ચલાવીને ઘર સુધી છોડવા ગયા. આ યાદગાર ભેટની આશા ડ્રાઈવર પરામાસિવમને પણ ન હતી. પરામાસિવમ અંદાજે 8 કલેક્ટર અને અનેક અધિકારીઓની ગાડી ચલાવ્યા બાદ 30 એપ્રિલ, 2018ના રોજ નિવૃત્ત થયા. પરામાસિવમ કલેક્ટર ઓફિસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા.

કરૂર જિલ્લાના કલેક્ટર ટી. અન્બાઝગન માર્ચ 2018માં જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ પર કાર્યરત થયા હતા. તેમણે 29 એપ્રિલના દિવસે પોતાના સરકારી ડ્રાઈવરના રિટાયરમેન્ટ પર સમગ્ર ઓફિસને પાર્ટી આપી, આ બાદ તેમણે રિટાયરમેન્ટના દિવસે પરામાસિવમ અને તેની પત્ની માટે જાતે કારનો દરવાજો ખોલ્યો અને જાતે કાર ચલાવીને તેમના ઘરે મૂકીને આવ્યા. ડ્રાઈવર પરામાસિવમે પહેલા તો ઈનકાર કર્યો પરંતુ કલેક્ટર ટી. અન્બાઝગનના કહેવા પર તેમણે હા પાડી. તેઓ કારમાં પાછળ બેઠા, જ્યારે કલેક્ટરે ગાડી ચલાવી હતી.

કલેક્ટરે પોતાના કામનું આકલન કરતાં પોતાના ડ્રાઈવરના કાર્યનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યં, જો કલેક્ટર 16 કલાક કામ કરે છે તો તેનો ડ્રાઈવર દિવસમાં 18 કલાક કામ કરે છે. તે અધિકારી પહેલા તેના ઘરે પહોંચે છે અને તેને ઘરે જવામાં મોડું પણ થતું હોય છે. તેને હંમેશા એલર્ટ રહેવું પડતું હોય છે, અમારું જીવન તેના હાથમાં હોય છે. હું તેમની 33 વર્ષની સેવા માટે સન્માનિત કરું છું. તેણે પોતાનું સમગ્ર જીવન અમને ઘરે પહોંચાડ્યા, હવે આપણી ફરજ છે કે તેમને સન્માન સાથે ઘરે પહોંચાડવામાં આવે.

આ અવસર પર ડ્રાઈવરે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ રીતે વિદાય આપવામાં આવશે. મારા કામની પણ કદર કરવામાં એ જાણીને હું મારા અધિકારોનો આભાર માનું છું. મને ગૌરવ છે કે હું મારા રાજ્ય માટે કંઈક સેવા કરી શક્યો. પરામાસિવમના ઘરે પહોંચવા પર કલેક્ટરે તેમના ઘરે ચા પીધી અને ડ્રાઈવરના પરિવાર સાથે થોડા સમય સુધી વાતચીત પણ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top