પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તા.26મીને શનિવારે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે પાટીદાર ન્યાય મહા પંચાયતનું આયોજન કરાયું છે. આ સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂ઼ંટણી પછી સુષુપ્ત અવસ્થામાં રહેલા પાટીદાર આંદોલનના પાર્ટ-3નો આરંભ થઇ રહ્યો છે. આ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાગ લેવા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી 2500થી વધુ પાટીદારો જનાર હોવાનું પાસના સુત્રોએ જણાવ્યું હતું.
સાંજે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન
રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલાં પાટીદારો સામેના તમામ કેસો પાછા ખેંચવાની અને શહીદ યુવાનોના પરિવારોને સહાય-નોકરી આપવાની જાહેરાત કરાઇ હતી. જેનું સરકાર દ્વારા પૂર્ણપણે પાલન કરવામાં આવ્યું નથી. જે મુદ્દે હાર્દિક પટેલની આગેવાનીમાં શનિવારે સાંજે 7 વાગે મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયતનુ઼ આયોજન કરાયું છે. જમાં રાજ્યભરમમાંથી પાટીદારો ઉમટી પડનાર છે.
500થી વધુ કાર અને 15 જેટલી લકઝરીની વ્યવસ્થા…
પાસના કન્વીનર હર્ષદભાઇ એ. પટેલના જણાવ્યા મુજબ આ મહા પંચાયતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી અંદાજે 2500 જેટલા પાટીદારો હાજર રહેવાના છે. જે માટે 15 જેટલી લક્ઝરીઓ તેમજ 500થી વધુ કાર સહિતના વાહનોની વ્યવસ્થા કરાઇ છે. બહુચરાજી તાલુકાના પાટીદારો માટે મોટપથી બપોરે 12:30 કલાકે અને બહુચરાજી નારણપુરા વાડીથી બપોરે 2 કલાકે લકઝરી બસ ઉપડનાર છે.