આમતો ગુજરાત માં ઘણા યાત્રાધામ આવેલા છે પરંતુ તેમાંથી ઘણા યાત્રાધામ સાથે અતિ પ્રાચીન ઇતિહાશ જોડાયેલ છે.
તો આજે અમે તમને ગુજરાત ના એવાજ એક પ્રાચીન મંદિર વિશે જણાવીશું તો આવો જાણીયે આ પ્રાચીન મંદિર નો ઇતિહાશ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો પૈકીનું એક એટલે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર.
ભિલોડા તાલુકામાં આવેલું પ્રાચીન યાત્રાસ્થળ શામળાજી વૈષ્ણવોનું ધાર્મિક સ્થાન છે.પુરાણોમાં આ ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત હતું.
અરવલ્લી અને તેની આસપાસ રહેતા લોકો તો આ મંદિરે દર્શન કરવા આવે છે પરંતુ દેશભરમાંથી પણ શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શન કરવા આવે છે.
અમદાવાદથી બેથી સવા બે કલાક જ દૂર આવેલું આ મંદિર સમગ્ર દેશમાં આવેલા વૈષ્ણવોના 154 મુખ્ય મંદિરો પૈકીનું એક છે.
મેશ્વો નદીના કિનારે આવેલા શામળાજી મંદિરને ‘ધોળી ધજાવાળું’ મંદિર પણ કહેવાય છે. આ મંદિરના શિખર પર ધોળી ધજા ફરકતી હોવાથી આ નામ પડ્યું છે.
અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવેલા આ મંદિરની ચોતરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ કાળા રંગની હોવાથી લોકો શામળિયાના દર્શને જઈએ છીએ તેમ પણ કહે છે.
આ મંદિર શ્રીકૃષ્ણના ખૂબ ઓછા એવા મંદિરો પૈકીનું એક છે જ્યાં ગાયની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોય. કહેવાય છે કે ગાયના બે શિંગડા વચ્ચેથી કાળિયા ઠાકોરના મુખારવિંદના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિરના બાંધકામના ચોક્કસ સમયની તો જાણકારી નથી પરંતુ ઓછામાં ઓછા 500 વર્ષથી તો અસ્તિત્વમાં છે જ.
સફેદ પથ્થરો અને ઈંટોથી બનેલું બે માળનું મંદિર બનાવાયું છે. મંદિરની ફરતે સુંદર કોતરણ કરવામાં આવી છે.મહાભારત અને રામાયણના દૃષ્ટાંતો મંદિરની દિવાલો પર કોતરવામાં આવ્યા છે.
મંદિરના પ્રવેશદ્વાર પર બે વિશાળ હાથીની મૂર્તિઓ તમારું સ્વાગત કરશે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે.
આ મંદિરના ઈતિહાસની ત્રણ વાર્તા પ્રચલિત છે. પહેલી લોકવાયકા મુજબ, એક વખત બ્રહ્માજી ધરતી પર સૌથી પવિત્ર સ્થળ શોધવા નીકળ્યા.
અનેક સ્થળોએ ફર્યા પછી એ શામળાજી આવ્યા અને અહીંની સુંદરતાએ તેમનું મન મોહી લીધું. બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી અહીં તપ કર્યું.
શિવજી બ્રહ્માજી પર પ્રસન્ન થયા અને અહીં યજ્ઞ કરવાનું કીધું. યજ્ઞની શરૂઆતમાં વિષ્ણુ ભગવાને શામળાજીનું રૂપ ધર્યું અને આ સ્થળે બિરાજ્યા.
બીજી એક વાયકા મુજબ, દેવોના શિલ્પી તરીકે ઓળખાતા વિશ્વકર્મા ભગવાને એક રાતમાં જ આ મંદિર ઊભું કર્યું હતું. જો કે મંદિરનું નિર્માણ કરતાં કરતાં સવાર પડી ગઈ.
અને તેઓ મંદિરને પોતાની સાથે ન લઈ જઈ શક્યા. ત્રીજી લોકવાયકા મુજબ, એક આદિવાસીને શામળિયા ભગવાનની મૂર્તિ તેની જમીન ખોદતી વખતે મળી હતી.
તે દરરોજ અહીં દીવો પ્રગટાવીને શામળિયા ભગવાનની પૂજા કરતાં હતા. શામળિયાની કૃપાથી તેમના ખેતરમાં ખૂબ પાક થયો.
આ જાણ થતાં જ એક વૈષ્ણવ વેપારીએ મંદિર બંધાવ્યું અને શામળિયાની મૂર્તિ તેમાં સ્થાપી. બાદમાં ઈડરના રાજાએ મંદિરને સુશોભિત કર્યું.
તાજેતરમાં એક વેપારીના પરિવારે મંદિરનું રિનોવેશન કરાવ્યું છે.આ મંદિરમાં કારતિકી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળાની શરૂઆત દેવઉઠી અગિયારસથી થાય છે.
ત્રણ અઠવાડિયા સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે. મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
શામળાજીથી બે કિલોમીટરના અંતરે આવેલા દેવની મોરી તરીકે ઓળખાતા સ્થળેથી ક્ષત્રપકાલીન સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે. જે બૌદ્ધયુગની સાક્ષી પૂરે છે.
શામળાજી મંદિર પહોંચવા માટે GSRTCની બસ લઈ શકો છો અથવા કાર દ્વારા પણ પહોંચી શકાય છે. હિંમતનગરથી આ મંદિર 51 કિલોમીટરના અંતરે આવેલું છે.
એટલે આજ સુધી તમે આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો લેવા જેવી ખરી.આમ તો દરેક મંદિરમાં મળતો પ્રસાદ સ્વાદિષ્ટ હોય છે.
પરંતુ અહીંના લાડુનો સ્વાદ દાઢે વળગશે.આ મંદિર ના દર્શન કરવાથી લોકો નું કેહવું છે કે ધન્ય થઇ જવાઈ છે.તો તમે પણ આ મંદિર ના દર્શન કરવાનું ભૂલશો નહિ.