ભાદરવામાં મેઘરાજા ભરપૂર જોવા મળી રહ્યા છે. મેઘરાજા ગુજરાતમાંથી હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી. ત્યારે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો જળબંબાકાર થઈ જતાં નદી વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતા. તો રાજકોટમાં 102 વર્ષનો વરસાદે રેકોર્ડ તોડ્યો છે. છેલ્લે 1979ના વર્ષમાં 53 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષે રાજકોટમાં 59 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં 2019ના વર્ષમાં સૌથી વધુ 59 ઈંચ વરસાદ પડ્યો છે. આ પહેલાં 1979- 53 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 2007ના વર્ષમાં 52.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો વર્ષમાં 2006માં 42 ઇંચ વરસાદ પડ્યો હતો. તો 1953ના વર્ષમાં 44.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ખાંભા પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ 14 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજમાં તો 25 મિનિટમાં જ 4 ઈંચ વરસાદ પડી ગયો. શહેરમાં 1 કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનના 30 ઈંચની જરૂરિયાત સામે હવે 31.56 ઈંચ વરસાદ થઈ ગયો છે. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસાણા 5 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા.
જગતના તાતની ચિંતામાં વધારો.નોંધનીય છે કે, અંદાજીત 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જો કે, ભારે વરસાદ પડવાને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.
ભાવનગરમાં ભારે વરસાદ બાદ ઉમરાળામાં આવેલો કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે કાળુભાર ડેમ 31 ફુટેની સપાટીએ પહોંચ્યો છે. પાણીની આવક વધતા ડેમનો 1 દરવાજો ખોલવામા આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે. ભોજાવડર, સમઢીયાળા, ગઢાલિ, તરપરા, રાજપીલપલા સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામે વરસાદી માહોલ યથાવત છે. જેન લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદને કારણ કપાસ, જુવાર, મકાઇ, બાજરીના પાકને નુકસાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી સુકાવાનું નામ નથી લઈ રહયા જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. 100થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.
નવરાત્રીને આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. 1 કલાક પછી અંડરપાસ ખોલી દેવામાં આવ્યા હતા.