5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ ત્રિવેદીનું નિધન ગઇકાલે થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા. બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. ડૉ. એચ.એલ. ત્રિવેદીનું 87 વર્ષની વયે અવસાન થયું છે.
ગઇકાલે બુધવારે બપોરે કિડની ઇન્સ્ટિટયૂટમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આજે સવારે 8 થી 11 કલાક સુધી તેમનાં અંતિમ દર્શન બાદ તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે ડૉ. એચ.એલ. ત્રિવેદી છેલ્લા બે મહિનાથી કિડની હોસ્પિટલમાં જ આઈસીયુમાં હતા. પદ્મશ્રી ડો.એચ.એલ. ત્રિવેદીનું 87 વર્ષની વયે નિધન થતા તેમને પુરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
આજે તેમના નશ્વરદેહને કિડની હોસ્પિટલમાં અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. આજે સવારે 8 થી 11 સુધી તેમના નશ્વરદેહને કિડની હોસ્પિટલ ખાતે રખાશે. ત્યારબાદ ત્યાર બાદ અંતિમ વિધિ બપોરે 12 વાગે દૂધેશ્વર સ્મશાનગૃહ ખાતે થશે. કિડની હોસ્પિટલમાં આજે OPD બંધ રહેશે.
પદ્મશ્રી ડો.એચ.એલ. ત્રિવેદીનું 87 વર્ષની વયે નિધન થતા PM મોદી, CM રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો 400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર અને દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. છેલ્લા બે વર્ષથી તેમની તબિયત લથડી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1977 થી તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
14 વર્ષ અમેરિકા-કેનેડામાં સેવા આપી હતી. ડૉ. ત્રિવેદીએ વિદેશમાં મેડિકલની ધીકતી પ્રેક્ટિસ છોડી ગુજરાત આવ્યા હતાં. વર્ષ 1986 માં કિડની ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. કિડની ખરાબ થાય એટલે માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના દર્દીઓ અને તેમના સગાના મોઢા પર પહેલું નામ ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી (એચ એલ ત્રિવેદી) નું જ આવે.
દેશ-વિદેશની વિભૂતીઓ ક્યાંય ક્યાંથી કિડનીની સર્જરી કરાવવા ડૉ. ત્રિવેદી પાસે જ આવતા હતા. અરે એ બધું તો ઠીક, પરંતુ એક સમયે દુનિયાભરના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ઓસામા બિન લાદેનની બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હતી ત્યારે તેનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવા માટે પણ આપણા ત્રિવેદી સાહેબનો સંપર્ક કરાયો હતો. તેમને આ માટે કરોડો રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, તેમને કોઈ પૈસા નથી જોઈતા.
તેઓ એક જ શરતે બિન લાદેનનું ઓપરેશન કરશે કે સર્જરી પછી અલકાયદા ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર સદંતર બંધ કરી દેશે. પાકિસ્તાનમાં મેડિકલ કોન્ફરન્સના બહાને ઓસામાની સર્જરીની ઓફર હતી,આ વાત છે 2011ની સાલની જ્યારે ડૉ.
ત્રિવેદીએ એક એજન્સી સાથેની મુલાકાતમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, પાકિસ્તાનમાં યુએસ ફોર્સિસના હાથે હણાયેલા વિશ્વના સૌથી ખૂંખાર ત્રાસવાદી બિન લાદેનની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા તેમનો સંપર્ક કરાયો હતો.
અમદાવાદમાં 2007 ની સાલમાં બે-ત્રણ જણા તેમને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં (આઈકેડીસી) મળવા આવ્યા હતા. તેમણે ડૉ. ત્રિવેદી સાથે મિટિંગ કરીને તેમને પાકિસ્તાનમાં એક મેડિકલ કોન્ફરન્સના બહાને લઈ જઈ ઓસામાની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા ઓફર કરવામાં આવી હતી.
કરોડો રૂપિયાની ઓફર હોવા છતાં ડૉ. ત્રિવેદીનું ઈમાન ડગ્યું નહોતું, બિન લાદેનની કિડની સર્જરી માટે ડીલ કરવા આવેલી અલ કાયદાની ટીમે ડૉ. ત્રિવેદીને કહ્યું હતું કે, દેશવિદેશમાં તેમની ખ્યાતિ છે અને ખુદ અલ કાયદાના વડા બિન લાદેન ઈચ્છે છે કે તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ત્રિવેદી સાહેબ જ કરે. આ માટે તેમણે અને તેમના અન્ય 4 તબીબની ટીમે પાકિસ્તાનમાં આવવું પડશે. ત્યાં તેમને અજાણ્યા સ્થળે લઈ જવાશે અને ઓપરેશન માટે જે સુવિધા કહેશે તે કરી આપવામાં આવશે.
આ માટે તેમને અને તેમની ટીમને કરોડો રૂપિયાની ફી ઓફર કરાઈ હતી. જો કે, કેનેડામાં વૈભવી જીવન અને કરોડોની પ્રેક્ટિસ છોડીને ભારત માત્ર સેવાના ઉદ્દેશથી આવેલા ડૉ. ત્રિવેદીનું ઈમાન આ ઓફરથી ડગ્યું નહોતું.
અલકાયદાના માણસો ડૉ. ત્રિવેદીની કુનેહ સામે મૂંઝવાઈ ગયા, એકાએક પોતાની સમક્ષ અલકાયદાના માણસો આવી જતાં પહેલાં તો ડૉ. ત્રિવેદી પણ બે ઘડી માટે દિગ્મૂઢ થઈ ગયા હતા. આવા ખૂંખાર લોકોને કેવી રીતે જવાબ આપવો તે સમજાતું નહોતું. પરંતુ તુરત જ તેમણે સ્વસ્થતા કેળવી લીધી હતી અને એક એવી વાત મૂકી જે સાંભળીને અલકાયદાના માણસો પણ મૂંઝાઈ ગયા હતા.
ડૉ. ત્રિવેદીએ તેમને કહ્યું હતું કે, બિન લાદેન પણ આખરે તો માણસ છે માટે તેનું ઓપરેશન કરવામાં તેમને વાંધો નથી. પણ આ માટે તેમની ફક્ત બે શરત છે. પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા બિન લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે. અને બીજી શરત એ કે બિન લાદેન તેમને વચન આપે કે ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર તેઓ તુરત બંધ કરી દેશે. આવા મહાન વિચારો ધરાવતા હતા ડૉ. ત્રિવેદી.