આખા વિશ્વમાં આજે સેલ્ફીનું એવું ઘેલું લાગ્યું છે કે તેના કારણે કેટલાંયે લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવો એક કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં માતા પિતાની બેદરકારીના કારણે પોતાની 3 વર્ષની બાળકી ખોવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે પપ્પુ અને તેની પત્ની તેમની ત્રણ વર્ષની દીકરી આન્યા સાથે અલ્થાન ગાર્ડન ફરવા ગયા હતા. ત્યાં પતિ-પત્ની બંને ગાર્ડનમાં સેલ્ફી લેવામાં મસ્ત હતા ત્યારે 3 વર્ષની પુત્રી ગાર્ડનમાં આવેલા તળવામાં પડી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો ખુબ મોડું થઈ ગયું હતું. શનિવારે સવારે આન્યાનો મૃતદેહ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
આ ઘટનામાં તો સૌથી પહેલા પપ્પુ અને તેની પત્નીને આસપાસ પોતીની દીકરી ન દેખાતા આન્યા કિડનેપ થઈ હોવાની શંકા ગઈ હતી. અફરા તફડીમાં તેમને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આન્યાને શોધવાનું શરૂ કર્યું હતું.
સૌથી પહેલા તો પોલીસે આન્યાને તળાવ પાસે શોધવાનું શરૂ કર્યું હતું, ત્યાં પોલીસને આન્યાનું ચંપલ મળ્યું હતું. જેથી પોલીસને શંકા જતા તેમને તળાવની આસપાસ શોધખોળ કરતા આન્યાનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ખટોદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના વિશે પોલીસનું કહેવું છે કે, બાળકી તળાવમાં કેવી રીતે પડી તે સમજાતું નથી. તળાવના ફરતે તાડ ફેનસિંગ હોવા છતાં બાળકી તળાવમાં કેવી રીતે ગઈ તે રહસ્ય છે. ઘટનાને પગલે ખટોદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.