જ્યારે દક્ષાબેન તુફાન જીપ લઈને રોડ પર નીકળે છે ત્યારે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તમે તેમને ગુજરાતની પહેલી મહિલા જીપ ડ્રાઇવર પણ કહી શકો છો. આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછા બે ફેરા આરામથી કરી લે છે.
માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પણ વર્ધીઓ કરી ચૂક્યા છે. તેમને તુફાન જેવા પેસેન્જર વ્હિકલ ચલાવતા જોઇને લોકો કહે છે કે આ મહિલા ખરેખર એક ‘તુફાન’ છે. ગાંઘીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે.
25 એપ્રિલ, 1968 ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો હતો. ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો, છેલ્લી પરિક્ષા ન આપી શક્યા. વર્ષ 1990 માં દક્ષાબેનના લગ્ન થયા, 2011 માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું.
તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે. છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી. વર્ષ 1991-92 માં તેમણે સૌથી પહેલા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, ત્યાર પછી મેટાડોર ચલાવી અને વર્ષ 2003 થી અત્યાર સુધી તુફાન જીપ ચલાવી રહ્યાં છે.
શરૂઆતના 13 વર્ષ તેમણે સ્કૂલ રિક્ષા ચલાવી અને છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી. સમય જતા આ બધા વાહનો વેચી દીધા અને આજે એક તુફાન જીપ ચલાવી રહ્યાં છે.
સલવાર કમીઝમાં અને દુપટ્ટાને એક સાઇડથી વ્યવસ્થિત રીતે ગાંઠ મારીને દક્ષાબેન જ્યારે તુફાનની ડ્રાઇવર શીટ પર બેસે છે ત્યારે માનવું મુશ્કેલ થઈ જાય છે કે 51 વર્ષની કોઇ મહિલા આ પેસેન્જર વાહન દરરોજ ચલાવતી હશે. 25 એપ્રિલ, 1968 ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો. બાળપણ તેમનું ગાંધીનગરમાં પસાર થયું.
તે સમયે તેમના પિતા મનુભાઈ ગઢવી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા. ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી તેમણે કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે પણ કોઇ કારણસર છેલ્લી પરિક્ષા આપી નથી શક્યા. વાહન ચલાવવાના શોખ વીશે કહે છે કે, હું નાની હતી ત્યારે મને વાપરવાના જે પૈસા મળતા તેનાથી હું સાઇકલ ભાડે લેતી અને ચલાવતી.
એક સમયે પપ્પાની ગેરહાજરીમાં તેમનું સ્કૂટર ચલાવી લીધું ત્યારે કદાચ ચિંતામાં પપ્પાએ કહી દીધેલું કે, આજથી તારે મારું સ્કૂટર અડવાનું નહીં. આ વાત ત્યારે મને લાગી આવી કે મારું સ્કૂટર એટલે શું હું તમારી દીકરી નથી. અને મે નક્કી કર્યું કે હવે હું વાહન ત્યારે જ હાથમાં લઇશ જ્યારે મારું પોતાનું હશે અને મારા ઘરે ગાડીઓની લાઇન કરીશ. વર્ષ 1990માં ગિરીશભાઇ ગઢવી સાથે દક્ષાબેનના લગ્ન થયા.
લગ્નબાદ તેમના પતિએ ગાંધીનગરમાં પોતાનું એક નાનકડું ગેરેજ શરુ કર્યું. આ ફિલ્ડમાં તેમની એન્ટ્રી એ ગેરેજમાંથી જ થઇ. પતિ ગેરેજમાં ટૂવ્હિલર રિપૈર કરતા અને ધોવા માટે ઘરે આપી જતા. દક્ષાબેન એ વાહન ધોઇને જે તે ગ્રાહકના ઘરે આપવા જતા અને આ રીતે તેમણે ટૂ-વ્હિલર ચલાવતા શિખ્યું. પતિ વિશે કહે છે કે, મને સૌથી વધારે સપોર્ટ મારા પતિનો મળ્યો છે, રાત્રિના સમયે પણ જ્યારે લાંબા રુટની વર્ધીમાં જવાનું થતું ત્યારે તેમનો સાથ-સહકાર જ મારા માટે આત્મવિશ્વાસ બનતો.
તેમણે મને બેઝિક મિકેનિકલ કામ પણ શીખવાડ્યું જેથી વાહનનું નાનું-મોટું રિપેરિંગ કામ પણ જાતે કરી શકું છું. વર્ષ 2011 માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું. આજે તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેનું નામ છે વનરાજ ગઢવી.
તેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે અને હાલ અન્ય એક ફિલ્ડમાં માસ્ટર કરી રહ્યો છે. દિકરાના અભ્યાસ માટે દક્ષાબેન આજે પણ આટલી સખત મહેનત કરી રહ્યાં છે અને એક મા સાથે એક પિતાની પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
પોતાના મમ્મી વિશે વાત કરતા વનરાજ ગર્વભેર કહે છે, “મને આજે પણ યાદ છે એ બધુ, જ્યારે જૂનિઅર કે.જીમાં મારું એડમિશન લેવા માટે અમે ગયા. સ્કૂલના આચાર્ય સાથે બધી વાતચીત કરી. મમ્મીએ જ્યારે કહ્યું કે હું રિક્ષા ચલાવું છું, ત્યારે આચાર્યએ એડમિશન આપવાનો ઇનકાર કરતાં કહી દીધેલું કે તમે તો રિક્ષા ચલાવો છો, દીકરાની ફી કેવી રીતે ભરશો? ત્યારે મમ્મીએ તે આચાર્યના પગાર સામે પોતાની આવકનો આંકડો દર્શાવતા કહેલું કે તમારાથી ત્રણ ગણી મારી ઇન્કમ છે, તમે ફીની સહેજ પણ ચિંતા ન કરો, સ્કૂલમાં બાકી તમામ સ્ટૂડન્ટ કરતા મારા દીકરાની ફી સૌથી પહેલા ભરાઇ જશે. તે સમયે અમે ભાડાના મકાનમાં રહેતા. ઘરમાં કોઇ સાચવવાવાળું નહોંતુ એટલે મમ્મી મને તેમની સાથે રિક્ષામાં લઇ જતા.
તેમનું બાળક ડે કેર શાળાઓમાં જ મોટું થાય છે, તે સમયે તો એવી કોઇ વ્યવસ્થા જ નહોંતી. આગળ વાત કરતા વનરાજ કહે છે, “મારા મમ્મી હંમેશા એવું વિચારે છે કે મારે કઇંક અલગ કરવું છે અને મારો દીકરો પણ કઇંક અલગ જ કરે.
મમ્મી-પપ્પા બન્ને ગુજરાતી માધ્યમમાં ભણ્યા પણ મને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો કે જેથી હું ખૂબ આગળ વધી શકું અને ઉચ્ચત્તર અભ્યાસ કરી શકું. આગળ ડ્રાઇવરની સિટમાં મને ખોળામાં બેસાડતાં, નાસ્તો કરાવતાં, સાચવતાં, રમાડતાં. આજના સમયે જ્યારે નૌકરી કરતી મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેમના સંતાનને સાચવી શકે એટલે ડે-કેરમાં મૂકી શકે છે.