ધારાસભ્યે પુત્ર-ભત્રીજા સાથે કર્યા ભીખારી મહિલાનો અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: ઓરિસ્સાના ઝારસુગુડામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં અસંદેનશીલતા અને માનવતા બંને દેખાઈ આવે છે. ઝારસુગુડાના બીજેડી ધારાસભ્ય રમેશ પટુઆએ માનવતાનું દૃષ્ટાંત રજૂ કરતા એક નિરાધાર મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યેો. આ મહિલાની અર્થીને કોઈ ખભો આપવા માટે તૈયાર નહોતું. બધાને ડર હતો કે, જો તેઓ આ કામ કરશે તો તેમને સમાજમાંથી બહિસ્કૃત કરી દેવાશે.

ઝારસુગુડાના અમનાપાલી ગામમાં જ્યારે લોકોએ એક મહિલાના શબને ખભો આપવાની તસ્દી ન લીધી ત્યારે વિસ્તારના ધારાસભ્ય રમેશ પટુઆ આ કામ માટે આગળ આવ્યા. તેમણે પોતાના પુત્ર-ભત્રીજા અને અન્ય કેટલાક લોકોની મદદથી તે મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. જણાવાઈ રહ્યું છે કે, આ મહિલા ભીખ માગતી હતી અને પોતાની દિયર સાથે એક ઝૂંપડીમાં રહેતી હતી. જોકે, તેનો દિયર એટલો બીમાર હતો કે, તે પણ પોતાની ભાભીના અંતિમ સંસ્કાર કરી શકવાની સ્થિતિમાં ન હતો.

બીજેડીના ધારાસભ્યે કહ્યું કે, ગામના લોકોનું માનવું છે કે, જો અન્ય જ્ઞાતિનો માણસ કોઈના મૃતદેહને સ્પર્શે તો તેને પોતાના સમાજમાંથી તગેડી મૂકવામાં આવે છે. મેં તેમને અંતિમ સંસ્કાર કરવા માટે કહ્યું પણ તેઓએ ના પાડી દીધી એટલે મેં મારા પુત્ર અને ભત્રીજા સાથે મહિલાને દફનાવીને તેનો અંતિમ સંસ્કાર કર્યો.

જણાવી દઈએ કે, રમેશ પટુઆ રેંગાલી (સાંબલપુર) વિધાનસભાના ધારાસભ્ય છે. તેમણે આ ઉમદા કામ કરીને સમાજમાં માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઓડિશાના બૌદ્ધ જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની સાળીના મૃતદેહને સાઈકલ પર અંત્યેષ્ટિ માટે લઈ જવો પડ્યો કેમ કે, તેને કોઈ ખભો આપવા માટે તૈયાર નહોતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top