આ શ્રાવણ મહિનામાં જો તમને કોઈ અદભૂત ચમત્કારીક મહાદેવ મંદિરના દર્શન થઈ જાય તો જરુર તમે પોતાને અહોભાગી માનસો. વિશ્વપ્રસિદ્ધ પાણીમાં ડુબેલા મંદિરો જવો માટે તમારે બાલી સુધી પણ જવાની જરુર નથી. અહીં ભારતમાં જ તમારી નજીક તમને એવા ચમત્કારીક મંદિર મળી જશે જે આશરે 5500 વર્ષ જૂના છે અને વર્ષના 8 મહિના પાણીમાં ડૂબી રહે છે.
આવા કારણે જ ભારતને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે. અહીં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઈતિહાસ જાણવા આવતા હોય છે. મહાભારત અને રામાયણ કાળની એવી અનેક જગ્યાઓ છે જેની સાથે જોડાયેલી અનેક કહાણીઓ છે. આવું જ એક મંદિર એટલે પંજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર આવેલ કાંગડા જિલ્લાનું મંદિર છે. અહીં વ્યાસ નદી પર આવેલ પોંગ ડેમની વચ્ચે આવે આ મંદિરો રેતી અને પથ્થરના બનેલા છે તેમ છતા આટલા હજારો વર્ષો પછી પણ પાણીમાં ડૂબી રહેવા છતા તેમના પર કોઈ અસર નથી થઈ રહી. આજે પણ તે એટલા જ ચમકદાર છે. જોકે માંદિર આસપાસ કેટલાક ભાગને નુકસાન થયું છે.
પોંગ ડેમના મહારાણા પ્રતાપ સાગર તળાવમાં ડૂબેલા આ મંદિરોને બાથૂ મંદિરના નામથી ઓખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને ‘બાથૂ કી લડી’ કહે છે. આ મંદિર સુધી ઉનાળામાં માત્ર ચાર મહિના ડેમના પાણીનું લેવલ ઓછું હોય એ દરમિયાન જ પહોંચી શકાય છે. વર્ષના બાકી આઠ મહિના પાણીમાં ડૂબેલું રહે છે. આ મંદિર સુધી માત્ર બોટ થકી જ પહોંચી શકાય છે. આજથી 43 વર્ષ પહેલા ડેમ બન્યા બાદ આ મંદિર 8 મહિના માટે હંમેશા ડૂબેલું રહે છે.
આ મંદિરના નિર્માણ વિશે એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો દ્વારા અહીં સ્વર્ગ જવાની સીડી બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અધુરો રહી ગયો હતો. કથા મુજબ આ મંદિર પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન માત્ર એક રાતમાં બનાવી નાખ્યું હતું. આ મંદિરમાં આજે પણ મહાભારતકાળની અનેક વસ્તુ આવેલી છે. જોકે સરકાર અને પુરાતત્વ વિભાગની ઉદાસીનતાના કારણે આજે ઐતિહાસિક ધરોહર પોતાનું અસ્તિત્વ ખોઈ રહ્યું છે.
આ મંદિર પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે. ગગ્ગલ એરપોર્ટથી આ મંદિરનું અંતર માત્ર દોઢ કલાકનું જ છે. પ્રવાસીઓ રેલવે સ્ટેશન અને એરપોર્ટથી જ્વાલી પહોંચી શકે છે, જ્યાંથી આ મંદિરનું અંતર માત્ર 37 કિમી. છે. જ્વાલીથી બાથૂ કી લડી પહોંચવાના 2 માર્ગ છે. એક જેમાં બાથૂ સુધી અડધી કલાકમાં પહોંચી શકાય છે અને બીજો માર્ગ જ્યાંથી તમને આ મંદિર પહોંચવામાં આશરે 40 મિનિટનો સમય લાગે છે. જો તમે ટ્રેનથી જવા ઈચ્છો છો તો કાંગડા રેલવે સ્ટેશન ઉતરીને કોઈ ટેક્સીની મદદથી અહીં પહોંચી શકાય છે.
આ મંદિરના દર્શન કરવા માટે માત્ર મે-જૂન મહિનામાં જ જઈ શકાય છે. બાકીનો સમય આ મંદિર જલમગ્ન હોય છે. ઉનાળામાં દરમિયાન જ મંદિર સંપૂર્ણ બહાર આવે છે. ત્યારે મંદિરની ચારે તરફ પાણી અને વચ્ચે મંદિર એક અદભૂત મનમોહક દ્રશ્ય ઉભું કરે છે. આ જગ્યાએ અનેક ફિલ્મનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. જોકે અહીંના પ્રવાસન પર ધ્યાન દેવામાં ન આવતું હોવાના કારણે અહીં પહોંચવાના રસ્તાઓની હાલત બિસ્માર છે તેમ છતા અનેક વિદેશી પ્રવાસીઓ પણ આ મંદિરોને જોવા અહીં આવે છે.