થોડા મહિનાઓ પહેલા સુરત શહેરમાંથી એક 11 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. બાદમાં ખુલાસો થયો હતો કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. બાદમાં એવો પણ ખુલાસો થયો હતો કે તેની માતાની પણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવે આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી. હવે ફરીથી સુરતના પાંડેસરા વિસ્તારના એક અવાવરું જગ્યાએથી ચાર વર્ષની માસૂમ બાળકીની લાશ મળી આવી છે.
બાળકીની લાશ મળતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બાળકીની લાશ મળ્યાની જાણ થતાં પાંડેસરા પોલીસ સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળકીની ભાળ મેળવવા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ કામે લાગી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં જઇ બાળકીની ઓળખ મેળવવા મહિલાઓ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરી હતી.
ઘટના સ્થળ પરથી મળી આવેલી બાળકીના શરીર પર ઇજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. આના પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે હત્યા પહેલા તેણીને માર પણ મારવામાં આવ્યો હતો. પોલીસે બાળકીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આગળની તપાસ શરૂ કરી છે.
બાળકીની ઉંમર આશરે ચાર વર્ષ – ઘટના સ્થળેથી મળી આવેલી બાળકીની ઉંમર આશરે ચાર વર્ષની હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. આ કેસમાં પોલીસે નજીકની એક વખારના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક રીક્ષા અહીં રોકાઇ હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલાના કેસમાં પણ બાળકીની ઓળખને લઈને પોલીસને ખૂબ મુશ્કેલી પડી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ કેસને એક સીસીટીવી ફૂટેજ પરથી ઉકેલ્યો હતો.