ધોરાજી: ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયા આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના છે. જળસમાધી પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ તપ જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ લલિત વસોયા માત્ર કૂદકો મારી જળસમાધીનું નાટક કરશે. વસોયાએ ખુદે કહ્યું હતું કે, પોલીસ મને હજુ પણ પકડતી નથી.
મારી સાથે અન્ય કોઇ જળસમાધી ન લેતા
સભામાં લલિત વસોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાર્દિકે કાલે મને તમારી સાથે હું જળસમાધી લઇશ તેવું કહ્યું હતું હતું પરંતુ મારે હાર્દિકને કહેવું છે કે તારી જેવા વીરલાની સમાજને જરૂર છે. અમારી જેવા લોકો આવા આંદોલન કરે તેમા ફક્ત તારા સમાધાનની જરૂર છે. મારી અન્ય લોકોને પણ વિનંતી છે કે મારી સાથે કોઇ જળસમાધી ન લે. સ્ટેજ પર સભા શરૂ થતા જ પોલીસ સતર્ક બની ગઇ હતી. તો લલિત વસોયાએ કહ્યું હતું કે, પોલીસ મને રોકવાનો પ્રયત્ન ન કરે મને છટકતા પણ આવડે છે.
આ આતંકવાદી સભા નથી તો આટલી પોલીસ શું કામ?: હાર્દિક
કોંગ્રેસના 12 ધારાસભ્યો, કોંગી કાર્યકર્તા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેણે જણાવ્યું હતું કે, લોકોના હિતમાં હશે તેમાં મારૂ સમર્થન છે. આ આતંકવાદીની સભા નથી આટલી પોલીસ શું કામ? આટલી રજૂઆત કરવા છતાં કલેક્ટરે કેમ કોઇ પગલા ન લીધા. આ તો હક્ક માટેની સભા છે.
મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે ત્યારે હાર્દિકે ભુખી ગામે સભામાં કટાક્ષ કરતા કહ્યું હતું કે ગોંડલ ચાર પાંચ લોકો ઉભા હતા અને મે તેઓને કહ્યુ અહીં કેમ ઉભા છો તો કહ્યું વરરાજા આવે તો હારતોરા કરવા પડેને. જેતપુરમા ડાઇંગ એકમોના માલિકની ગાંધીનગર સુધી પકડ છે ત્યારે લલિતભાઇને કહુ છું કે આની સામે મરવાનું ન હોય, લડવાનુ હોય. આ ગંદા પાણીને દારૂની જેમ વેચો તો ગુજરાતમાં વેચાઇ જશે.
ભાદરમાં કૂદકો મારીને રહીશ
લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.
ધોરાજી તાલુકાના ભૂખી ગામના સરપંચ શું કહે છે
ભૂખી ગામના સરપંચે જણાવ્યું હતું કે, ધોરાજીના ભૂખી ગામના ભાદર ડેમ-2નું પાણી પ્રદૂષિત છે. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ભાદર બચાવવા આંદોલન શરૂ કર્યું છે. જેને અમારૂ સમર્થન છે.
પોલીસ મને પકડતી નથી
લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું એક કલાકમાં જળસમાધી લેવાનો છું, છતાં મને પોલીસ તંત્ર પકડતી નથી. મને જળસમાધી લેવા જ દેવાના હોય તેવું લાગે છે. મને ખબર છે આ કાયદા વિરૂદ્ધ છે પણ એક ધારાસભ્યની વાત પણ કોઇ સાંભળતું નથી. એટલે મારા વિસ્તારના લોકો માટે હું સમાધી લેવાનો નિર્ણય નહીં જ બદલું. હાર્દિક પટેલ પણ થોડીવારમાં આવે તેવી શક્યતા છે.
ભાદર ડેમના પાણીની બોટલો સ્ટેજ પર રાખવામાં આવી
કેમિકલયુક્ત પાણી ભાદર ડેમમાં ભળવાથી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહી છે. ભુખી ગામે કાર્યક્રમમાં ભાદર-2 ડેમનું કેમિકલયુક્ત પાણી બોટલો ભરી સ્ટેજ પર રાખવામાં આવી છે. જેમાં પાણી લાલ કલરનું દેખાય છે. કેમિકલયુક્ત પાણીથી અનેકલોકોને ચામડીના રોગો થયા છે. ચામડીના રોગથી પીડાતા 50થી વધુ લોકોને પણ હાજર રાખવામાં આવ્યા છે. જેમાં કોઇને હાથે તો કોઇના ગળાના ભાગે ચામડીના રોગો થયાનું જોવા મળી રહ્યું છે.
આ ધારસભ્યો રહ્યા છે હાજર
આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે