હાલોલઃ હાલોલ-બોડેલી રોડ પર ભાટ ગામના ભયજનક વળાંક પર કાર નાળામાં ખાબકતા એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોડેલીના ખત્રી પરિવારના 10 સભ્યો હાલોલ ખાતે રહેતા સંબંધીને મળવા માટે ગયા હતા. ત્યારથી પરત બોડેલી જતી વખતે ટાયર નીકળી જતા કારનું નાળામાં ખાબકી હતી.
હાલોલ-બોડેલી રોડ પર કાર નાળામાં ખાબકી, એક જ પરિવારના 7 બાળકોના મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોડેલીનો ખત્રી પરિવાર ગઇકાલે શનિવારે હાલોલની રહીમ કોલોનીમાં રહેતા તેમના સંબંધીને ત્યાં આવ્યો હતો. રાત્રે જમ્યા બાદ ખત્રી પરિવાર બોડેલી પરત જવા માટે નીકળ્યો હતો. હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટીયા પાસે રાત્રે પોણા બાર વાગ્યે કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી.
કાર નાળામાં ખાબકતા જ આસપાસ રહેતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. પરંતુ નાળામાં પાણી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. પરંતુ એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા. આ સમયે બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સાત બાળકોના મૃતદેહોને જાબુંધોડા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ જાબુંધોડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે બોડેલી ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત આસપાસના ગામ લોકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.
બોડેલીના ખત્રી પરિવારના સાત બાળકોના મોતને પગલે મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
મૃતક બાળકોના નામ
- મહોમ્મદ બિબાલ સલીમ ભાઇ
- મહોમ્મદ રઉફ સલીમ ભાઇ
- મહોમ્મદ તાહિર સલીમ ભાઇ
- મહોમ્મદ સાજીદ અલતાફ હુસૈન
- આસિમાબાનુ અલતાફ હુસૈન
- ગુલફરોઝ બાનુ તસ્લિમ આરિફ
- મહોમ્મદ યુસુફ તસ્લિમ આરિફ