મુંબઈઃ એર ઈન્ડિયાના એક વિમાનમાં સીટની નીચેથી તલાશી દરમિયાન એવું મળી આવ્યું હતું કે તે જોઈને અધિકારીઓની આંખો પહોળી રહી ગઈ હતી. આ વિમાનની સીટ નીચેથી આશરે 47 લાખ રુપિયાની કિંમતના સોનાના બિસ્કિટ લાવારિસ હાલતમાં પડેલા મળ્યાં હતાં
એક કિલોગ્રામ કરતાં પણ વધુ વજનના આ સોનાની કિંમત આશરે 47 લાખ રુપિયા કરતાં વધુ માનવામાં આવે છે. કસ્ટમના એક અધિકારીએ જણાવ્યું કે મળેલી ગુપ્ત જાણકારી દરમિયાન એર ઈન્ટેલિજન્સ યુનિટે બુધવારે સવારે અબૂ ધાબીથી વિમાન આવ્યાં પછી તલાશી લીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે,’તલાશી દરમિયાન સીટની નીચે છુપાવીને રાખેલા 1.74 કિલો વજનના સોનાના 15 બિસ્કીટ મળી આવ્યાં છે.’ અધિકારીએ એ પણ જણાવ્યું કે જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે 47,69,330 રુપિયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે જે રીતે લાવારિસ હાલતમાં આ સોનાના બિસ્કિટ મળી આવ્યાં છે તે જોતાં એવું લાગે છે કે કોઈ જ પ્રકારનો કર ચૂકવ્યા વગર જ સ્મગલર્સ સોનાના બિસ્કિટની દાણચોરી કરવા ઈચ્છતા હતાં. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.