સાચવજો, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે. રવિવારથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. લાંબા સમયના વિરામ બાદ શુક્રવારે ફરી વાર રાજ્યમાં મેઘરાજાએ એન્ટ્રી મારતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો. રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીનું સ્તર ઘટતાં રાજ્ય સરકાર પણ ચિંતામાં હતી પણ વરસાદે સરકારની ચિંતા ઘટાડી છે.

GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ડેટા પ્રમાણે, 16 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સિઝનનો 56% વરસાદ પડ્યો છે. જુલાઈમાં વરસાદ સામાન્ય (382.5 mm વરસાદ) રહ્યો. ઓગસ્ટ મહિનાના પહેલા 16 દિવસમાં રાજ્યમાં 14.7 mm વરસાદ નોંધાયો છે. શુક્રવારે GSDMAએ એકત્ર કરેલા ડેટા મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 53 સ્થળોએ 50mm વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, “રાજસ્થાન અને ગુજરાતને જોડતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાતાં રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉદ્ભવી છે. શનિવારે પણ રાજ્યમાં વરસાદ પડશે. રવિવારથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.”

GSDMAના ડેટા પ્રમાણે, શુક્રવારે ખેડા જિલ્લામાં આવેલા કપડવંજમાં સૌથી વધુ 150mm વરસાદ પડ્યો, પંચમહાલના ગોધરામાં 126mm, ગાંધીનગરના કલોલમાં 111mm, અમદાવાદના સાણંદમાં 110mm, ખેડાના માતરમાં 104mm, અમદાવાદ શહેરમાં 102mm, મહિસાગરના બાલાસિનોરમાં 95mm, આણંદના સોજિત્રામાં 94mm, છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 93mm અને ખેડાના ગળતેશ્વરમાં 89mm વરસાદ નોંધાયો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આ વર્ષે સામાન્ય તો કેટલાક ભાગમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદની ભારે અછત (સરેરાશ વરસાદની સરખામણીમાં 60-99% ઓછો વરસાદ) છે. તો 16 જિલ્લાઓમાં વરસાદની અછત (સરેરાશ કરતાં 20-59% ઓછો વરસાદ) છે. ઓછો વરસાદ પડ્યો હોય તેવા મોટાભાગના આ જિલ્લાઓ ઉત્તર અને મધ્ય ગુજરાતના છે. હવામાન વિભાગના અધિકારીના મતે, આ મહિનામાં હજુ સારો વરસાદ થવાની શક્યતા છે, જેથી જે જિલ્લાઓમાં નહિવત્ વરસાદ છે ત્યાં સ્થિતિ સરભર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top