સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની અટકાયત બાદ 3 બસોમાં તોડફોડ, આગચંપી

સુરતઃ સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના કેસમાં અટકાયત કર્યા બાદ પાટીદારો દ્વારા સુરતમાં મોડી રાત્રે યોગીચોક પાસે બે બસમાં તોડફોડ અને એક બસને આગચંપી કરવામાં આવી. આ ઉપરાંત રોડ પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

નિકોલમાં પ્રતિક ઉપવાસ માટે જઈ રહેલા હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વીનરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે જામીન મળ્યા બાદ પોલીસે સુરત પાસ કન્વીનરની રાજદ્રોહના કેસમાં અટકાયત કરી હતી. આ ઘટના બાદ હાર્દિકે આ મુદ્દે હાઈકોર્ટમાં જશે તવું કહ્યું છે. અલ્પેશ કથિરિયાની અટકાયત બાદ મોડી સાંજે વરાછા વિસ્તારમાં પાસ કાર્યકરો અને પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં ટોળાએ બે બસોમાં તોડફોડ કરી આ ઉપરાંત રોડ પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કોની કોની સામે ગુનો દાખલ થયો

  1. હાર્દિક પટેલ
  2. મનોજ પાનારા
  3. અલ્પેશ કથીરિયા
  4. ધાર્મિક માલવીયા
  5. કેતન દેસાઈ
  6. રવિ કાવર
  7. કિશન ચોડવડિયા
  8. નિવ પટેલ
  9. જતીન સિરોયા

નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપી

આ દરમિયાન સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.

હાર્દિકનો હુંકાર ગુજરાત સરકાર કેમ ડરી રહી છે, પોલીસ માપમાં રહે

અટકાયત પહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. મારા ઘર બહાર પોલીસનો કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતું હું ચોક્કસ ઉપવાસ કરીશ. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.

પોલીસે મહેસાણા, સૌરાષ્ટ્ર, સુરતમાંથી 300 કાર્યકરોની અટકાયત કરી

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક્ક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.

જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં તાના શાહી

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે.

કુલ 130થી વધુની અટકાયત

આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું કે, પોલીસે 130 વધુ લોકોની અટકાયત કરી છે. જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો, રાજકોટથી અમદાવાદ આવતા 26ની ચોટીલામાંથી અટકાયત કરાઈ છે. જ્યારે હાર્દિકના નિવાસ સ્થાને તેના સહીત 58 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે અને મારા ઘરે 200 પોલીસ કર્મી ગોઠવવામાં આવ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top