રાજદ્રોહના કેસમાં કોર્ટે હાર્દિક પટેલને આપ્યું અલ્ટિમેટમ,હાજર થાય નહીં તો જામીન થશે રદ્દ

અમદાવાદ- ગુરુવારના રોજ અમદાવાદની સેશન્સ કોર્ટે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અલ્ટીમેટમ આપ્યું છે કે, ઓક્ટોબર 2015માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના પર મુકવામાં આવેલો રાજદ્રોહનો કેસ હવે વધારે મુલતવી રાખવામાં નહીં આવે.

ટ્રાયલ કોર્ટે હાર્દિકની તેને કેસમાંથી મુક્ત કરવાની અરજી ફગાવતા હાર્દિકે તે નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, જો હાર્દિક 30મી ઓગસ્ટ પહેલા ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર રજુ નહીં કરે તો, આગામી સુનાવણીમાં કોર્ટ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરશે. કોર્ટે આગામી સુનાવણીમાં જેના પર આરોપ લાગ્યા છે તે દરેક વ્યક્તિને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાછલા થોડાક મહિનાઓથી હાર્દિકના એડવોકેટ ટ્રાયલ કોર્ટનો આદેશ હાઈકોર્ટમાં પડકાર્યો હોવાની દલીલ કરીને કેસની તારીખ આગળ વધારતા હતા. ગુરુવારના રોજ સવારે ફરિયાદી પક્ષે કોર્ટરુમમાં હાર્દિકની ગેરહાજરી વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો. હાર્દિકના એડવોકેટે કોર્ટને આશ્વાસન આપ્યું કે બપોરના સેશન્સમાં હાર્દિક હાજર રહેશે, જો કે હાર્દિક ત્યારે પણ કોર્ટમાં હાજર નહોતો થયો.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને અપીલ કરી છે કે હાર્દિક વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઈશ્યુ કરવામાં આવે. તેમણે દલીલ કરી કે, હાર્દિક કોર્ટનું સન્માન નથી કરતો. તે કોઈને કોઈ કારણોસર કેસની પ્રક્રિયા ડીલે કરી રહ્યો છે. તેમની પાસે લોકોને સંબોધવાનો સમય છે, પરંતુ કોર્ટમાં હાજર રહેવાનો સમય નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top