અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફી મામલે આમરણાંત ઉપવાસ પર ઉતરતા પહેલા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે સરકાર અને પોલીસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં 16 હજાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો, આ લડાઈ ચાલુ રહેશે. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
જલિયાવાલાબાગ હત્યાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ: હાર્દિક
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, અમને એકપણ વિસ્તારમાં ઉપવાસની મંજૂરી આપવામાં આવી નહીં. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ રોકી દેવામાં આવી છે. પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી છે. આ જલિયાવાલાબાગ હત્યાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની પીછેહઠ કરીશું નહીં. બીજેપી માનવતા વિરુદ્ધ જે કાર્ય કરી રહી છે. અમને દૂધની એક થેલી પણ લાવવા દેવામાં આવી નથી.
અમદાવાદમાં સઘન ચેકિંગ
આ સિવાય હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈ અમદાવાદ શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને પગલે અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં 144ની કલમ લાગુ
હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે
કોંગી ધારાસભ્યોનું સમર્થન
કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.