ગાંધીનગર: સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, સમાજમાં નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને સન્માન સાથે રોજગારી અપાવવાના ઉદ્દેશ્ય સાથે સરદારધામ દ્વારા આયોજીત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયા સહિતના મહાનુભાવોએ દિપપ્રાગ્ટય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દેશ અને વિદેશના પ્રથમ હરોળના 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓને સંબોધન કરતાં ગગજીભાઇ સુતરિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે નારી શક્તિ અને સામાજીક એકતા દ્વારા સમાજ નિર્માણથી દેશ નિર્માણનું અભિયાન શરૂ કર્યું છે. પાટીદારો આ પ્રકારની સમીટનું આયોજન કરનાર પ્રથમ સમાજ છે અને મીશન 2026 અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઇને આઇએએસ અધિકારી સુધી 10,000 પાટીદાર યુવાનોને વહીવટીતંત્રમાં મોકલવાના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે દેશ-વિદેશના 10,000 જેટલાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા અન દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે.
આપણા દિકરા-દિકરીઓ ભટકી ન જાય તથા તેઓ સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બંન્નેની ફરજ છે. સરદારધામ માત્ર એક સંસ્થા નહીં, પરંતુ વિચાર છે અને આ સપનાને સાકાર કરવા માટે સમસ્ત પાટીદાર સમાજ, ઉદ્યોગપતિઓ ભેગા મળીને કામ કરશે અને મજબૂત સમાજના નિર્માણમાં યોગદાન આપશે. સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સમાજ વર્ગોને સૌના સાથ સૌના વિકાસના ભાવથી પ્રેરિત થવાનું આહવાન કરતાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજ સમાજ વચ્ચે અંતર ઘટાડી હર કોઇ શિક્ષિત-દિક્ષીત-રોજગાર પ્રાપ્ત બને પીડિત-શોષિત-વંચિત પ્રત્યેકને વિકાસના અવસર મળે તે માટે સમાજના વર્ગોમાં રચનાત્મક અભિગમ આવશ્યક છે.
પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. તેમણે ઉમેર્યું કે, ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતા પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ. સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઊદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ MSME, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઊદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે. સાથે જ આ કાર્યક્રમમાં પંચામૃતશક્તિ અન્વયે 10 એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યો હતા.