પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના મામલામાં આરોપી અલ્પેશ કથીરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિતના પાટીદાર યુવાનો પર રાજદ્રોહની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.
આ કેસમાં પાસના નેતા અલ્પેશ કથીરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને તેના કાયદેસરના રિમાન્ડ મેળવ્યા હતા. અલ્પેશના રિમાન્ડ પુરા થતા તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે વધારાના રિમાન્ડની માંગણી ના કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.
અલ્પેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જતી વખતે પોતાના ભાઈને રાખડી બાંધવા માટેની કોશિશ તેની બહેને કરી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશની બહેનને તેમજ દિનેશ બાંભણિયાને રાખડી બાંધવા માટે અટકાવ્યો હતો. જે મુદ્દે થોડીવાર માટે કોર્ટ કમ્પાઉન્ડમાં દિનેશ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દિનેશે આ મામલે સરકાર અને પોલીસ સામે ઊભરો ઠાલવ્યો હતો.
હાર્દિક પટેલને બહેન મોનિકાએ બાંધી રાખડી, પણ બહેનને રહ્યો આ વાતનો અફસોસ
રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઇના કાંડે રાખડી બાંધી તેમની રક્ષાની કામના કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પણ તેમની બહેને રાખડી બાંધી તે લડતમાં વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત પાટીદાર સમાજની અનેક બહેનોએ હાર્દિકને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનના પાવન પર્વ પર પાસ કન્વીનર હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે તેમની બહેન મોનિકા પણ છત્રપતિ નિવાસ પહોંચી હતી. મોનિકાએ હાર્દિક પટેલને રાખડી બાંધી તેમના દિર્ઘાયુ માટે કામના કરી હતી. સાથે જ મોનિકાએ હાર્દિક તેમની લડાઇમાં વિજયી બને તેવા આશીર્વચન પણ પાઠવ્યા હતા. જો કે ઉપવાસ પર બેઠેલા હાર્દિકનું મોઢું મીઠું ન કરાવી શકવાનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રક્ષાબંધન નિમિતે હાર્દિક પટેલને રાખડી બાંધવા અનેક પાટીદાર બહેનો વહેલી સવારથી જ છત્રપતિ નિવાસ પહોંચી હતી. હાર્દિકને રાખડી બાંધવા આવતી બહેનોએ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને પણ રાખડી બાંધી હતી. પાટીદાર સમાજની બહેનોએ હાર્દિક પટેલને રાખડી બાંધી તેમની લાંબી ઉંમર માટે મનોકામના કરી હતી. પાસ કન્વીનર ગીતાબેન પટેલ પણ હાર્દિકને રાખડી બાંધ્યા બાદ ભાવુક થયા હતા.
બીજી તરફ હળવદના દેવળિયા ગામેથી હાર્દિકને રાખડી બાંધવા 45 જેટલી બહેનો અમદાવાદ આવવા નીકળી ત્યારે પોલીસે તેમને ત્યાં જ રોકી હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે અપવાદોને બાદ કરતા ગુજરાતભરમાંથી આવેલી પાટીદાર બહેનોએ હાર્દિકને ઉત્સાહભેર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.