અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે. એનસીપીના નેતા પ્રફુલ પટેલે આજે હાર્દિકની મુલાકાત લઈને તેની માગણીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે. પાસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિકના સમર્થનમાં પૂર્વ પીએમ એચડી દેવગૌડા પણ બેંગલુરુમાં આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
હાર્દિકે ગઈકાલે દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશથી 300 ગાડીઓ ભરીને તેના સમર્થકો તેને મળવા અમદાવાદ આવી રહ્યા છે. આજે મધ્યપ્રદેશથી કેટલાક લોકો હાર્દિકને મળવા આવી પહોંચ્યા હતા. જોકે, પોલીસે તેમને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવા ફરજ પાડી હતી. પોલીસે માત્ર સાત જ આગેવાનોને હાર્દિકને મળવાની મંજૂરી આપી હતી. જ્યારે અન્ય લોકોને જવા નહોતા દીધા. આ લોકોએ લોકલ ન્યૂઝ ચેનલ્સને જણાવ્યું હતું કે, તેઓ કોઈ હંગામો કરવા નથી આવ્યા છતાં પોલીસ તેમને હાર્દિકને મળવા નથી દેવાઈ રહ્યા.
હાર્દિકે પોતાના આંદોલનને રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે માનવ અધિકાર પંચને પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, તેને હેરાન કરવા માટે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે, અને તેની સ્વતંત્રતા જોખમાય તેવા પ્રયાસો પણ કરાયા છે. હાર્દિકે એવો પણ દાવો કર્યો છે કે, તેના સમર્થકોને ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા જિલ્લામાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે.
હાર્દિકે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જોખમાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે તેવી લેખિતમાં બાંહેધરી આપેલી હોવા છતાં તેને ભૂખ હડતાળ પર બેસવાની પરવનાગી આપવામાં નથી આવી. હાર્દિકે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના ઘરની બહાર કેટલા મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે તે બતાવાયું છે.
હાર્દિકના ઉપવાસને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકની સોમવારે મુલાકાત પણ લીધી હતી, અને ગવર્નરને આ અંગે આવેદનપત્ર પણ આપ્યું હતું. હાર્દિક ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માગ સાથે છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર છે. ડોક્ટરોએ તેને પ્રવાહી લેવાની સલાહ પણ આપી છે. જોકે, ગઈકાલે તેણે દાવો કર્યો હતો કે, તેને કશુંય થવાનું નથી.
ઉપવાસના સમર્થનમાં આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના અલગ-અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો તેના ઉપવાસના સમર્થનમાં પહોંચશે. ઉલ્લેખનીય છે કે ઉપવાસના બીજા અને ત્રીજા દિવસે મેડિકલ ટીમે તેનું ચેકઅપ કર્યુ હતું.
હાર્દિક સાથે વાતચીત કરે સરકાર :પટેલ
હાર્દિક પટેલના સમર્થનમાં પ્રફૂલ પટેલે જણાવ્યું હતું કે પાલીસ અને સરકાર દમનકારી નીતિ છે. ગૂનેગારોની જેમ લોકો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સરકારની કાન પાસેથી ગોળી ગઈ છે છતાંય સમજી નથી. આ પ્રકારે મનમાની સરકાર ન કરી શકે. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જરૂરી છે.
હાર્દિકનું રૂટિન ચેકઅપ
સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પી કે સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું. જેમાં હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેસર છે, જ્યારે વજન – 74.6 કિગ્રા છે. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિકવિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી.
રાજસ્થાનથી ગુર્જર આંદોલન કર્તા પહોંચ્યા
હાર્દિકના સમર્થનમાં રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના નેતા હિંમતસિંહ ગુર્જર ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા. હાર્દિકના સમર્થનમાં રાજસ્થાનમાં ગુર્જરોએ અનામત માટે આંદોલન કર્યુ હતું. હિંમતસિંહે આરક્ષણ અને ખેડૂતોની માંગને લઇને હાર્દિકને સમર્થન આપ્યું હતું. તેમજ હાર્દિકની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાષ્ટ્રીય સ્તરે હાર્દિક પટેલની આગેવાનીમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. રાજસ્થાન અને એમપીથી 20 ગાડીઓમાં આવેલા ખેડૂત આગેવાનો અને સર્વણ નેતાઓને રોકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
પૂર્વ પીએમ દેવેગૌડા પણ હાર્દિકના સમર્થનમાં
પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડા હાર્દિકના સમર્થનમાં આવ્યા છે. તેમણે હાર્દિકની માંગને વ્યાજબી ઠેરવીને તેને સમર્થન આપવા માટે આજે બેંગ્લુરુમાં પત્રકાર પરિષદ યોજવાના છે.
ત્રીજા દિવસે કોંગ્રેસના 28 MLAનો હાર્દિકને ટેકો
ઉપવાસના ત્રીજા દિવસે સોમવારે કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિક પટેલને ટેકો આપવા તેના નિવાસ સ્થાને પહોંચી તેની મુલાકાત લીધી હતી. જેમાં મોહનસિંહ રાઠવા, પુજા વંશ, વિરજી ઠુમર અને હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાયછે. પોલીસે પ્રવેશ ન આપતા ધારાસભ્યોએ રોડ ઉપર બેસીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિકને ટેકો જાહેર કર્યો હતો.