હાર્દિક પટેલને મળવા આવેલા પ્રફુલ પટેલને પોલીસે રોકતાં અકળાયેલા પટેલે કઈ રીતે પોલીસોને તતડાવ્યા, જાણો વિગત

અમદાવાદ: આમરણાંત ઉપવાસના ચોથા દિવસે એનસીપી નેતા પ્રફુલ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની મુલાકાત લઈને પ્રફુલ પટેલે એનસીપી પાર્ટીનું હાર્દિક પટેલને સમર્થન જાહેર પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રફુલ પટેલે પોલીસ પર આકરા પ્રહાર કર્યાં હતાં. હાર્દિક પટેલના ઘર બહાર જ પોલીસે પ્રફુલ પટેલની ગાડી અટકાવી હતી. જેના કારણે પ્રફુલ પટેલ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

એનસીપી નેતા પ્રફુલ પટેલને હાર્દિક પટેલના ઘરની બહાર પોલીસે અટકાવ્યા હતા. પોલીસે અટકાવાતા પ્રફુલ પટેલ ગુસ્સે ભરાયા હતાં. આ અંગે પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને પાટીદાર માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે.

હાર્દિકે છેલ્લા થોડા દિવસોથી લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. સરકારનું ધ્યાન દોરવાનું કામ કામ કર્યું છે. સરકારની નીતિઓ વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છે. હાર્દિક માટે મને અને મારી પાર્ટીને માન છે. હાર્દિક 25મી તારીખથી ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે ઉપવાસ પર બેઠો છે. મારી પાર્ટીનું સમર્થન આપવા માટે હું અહીં આવ્યો છું.

પોલીસના આ તાયફા જોઈને ખબર નથી પડતી કે આપણે કઈ દુનિયામાં રહીએ છીએ. એક 25 વર્ષના છોકરા વિરુદ્ધ આ બધું થઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યાં જાવ, લોકોને ઉપવાસ પર બેસવાનો અને સરકારનો વિરોધ કરવાનો અધિકાર છે. સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવાનો અધિકાર છે. વિરોધ કરવો એ આપણો મૂળભૂત અધિકાર છે. લોકશાહી દેશમાં આપણને આ અધિકાર છે. આ ખરેખર શરમજનક વાત છે.

હું છેલ્લા 28 વર્ષથી સાંસદ છું અને મારી પાર્ટીનો જનરલ સેક્રેટરી છું. મારી ગાડી રોકી દેવામાં આવે છે, મારે અંદર પ્રવેશ માટે વિનંતી કરવી પડે તેનાથી વધારે શરમજનક વાત કંઈ ન હોઈ શકે. મારી તો પોલીસને સલાહ છે કે, આવું કરવાથી હાર્દિકને વધારે સમર્થન મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top