અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. આજથી હાર્દિક પટેલે પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ દરમિયાન પાણી પી રહ્યો હતો. બુધવારે સાંજે ફેસબુક લાઇવ પર હાર્દિકે ગુરુવારથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી છે. બીજી તરફ આજે હાર્દિક પટેલ તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે ચુકાદો આવશે. તો રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે આજે ચાર્જફ્રેમ થશે.
હાર્દિકની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
બુધવારે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરૂરી સામાન પણ અટકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે.
તેના ઘરે પાણી, દૂધ સહિતનો પુરવઠો પણ રોકી દેવામાં આવી રહ્યો છે. તેના ઘરે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના ભોજનની વ્યવસ્થા માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત લોકોની સગવડતા માટે પોલીસ તેના ઘરે મંડપ પણ બાંધવા નથી દઈ રહી. હાર્દિકની આ અરજી પણ આજે (30મી ઓગસ્ટ)ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થશે.
રાજદ્રોહના કેસમાં હાર્દિક સામે થશે ચાર્જફ્રેમ
હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. આ માટે આજે હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ પણ નીકળી શકે છે.
બુધવારે સંજીવભટ્ટે કરી હાર્દિક સાથે મુલાકાત
ગુરુવારે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે કલમ 144નો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસના અધિકારીઓ સરકારની સૂચના હેઠળ કામ કરી રહ્યા છે. હાર્દિક યુવાઓ અને પાટીદારોની માંગણી સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે.