સુરતઃ પાટીદાર અનામત આંદોલનમાં પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસના નવમાં દિવસે સુરતમાં પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદારો દ્વારા લડેંગે તો જીતેંગેના નારા સાથે આ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યાં છે. વિવિધ સોસાયટીઓમાં શરૂ થયેલા આ પ્રતિક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમથી સંગઠનની શક્તિ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પાટીદારોએ જણાવ્યું હતું.
પ્રતિક ઉપવાસ સાથે રામધૂન
હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસની સાથે સાથે રામધૂનના આયોજન કરાવમાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં તથા અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવા અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ધૂન, હવન અને પ્રતિક ઉપવાસ
પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સોસાયટીના રહિશો દ્વારા અપાતાં આ કાર્યક્રમમાં સરકારના કાન ખૂલે તે માટે રામધૂન અને સરકારને સદબુધ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાટીદારો દ્વારા સાતમ આઠમના તહેવારમાં ડબલ આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં રામધૂન અને પ્રતિક ઉપવાસના પણ આયોજન કરાયાં છે.
લડેંગે તો જીતેંગઃ ધાર્મિક માલવિયા
સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યુ હતું કે, લડેંગે તો જીતેંગેના સુત્ર સાથે આયોજનો થઈ રહ્યાં છે. સરકારને ફરીથી સંગઠનની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. પરંતુ નિર્દય રીતે સરકાર જે રીતે કોઈ જ બાબતમાં સરાહનિય કાર્ય નથી કરી રહી તે જોતાં આંદોલનમાં વધુ સંગઠન અને વધુ શક્તિ સાથે દરેક સમાજે આગળ આવવું પડશે.
રામધૂન અને પ્રતિક ઉપવાસના સ્થળ
૧)કાવેરી રેસીડેન્સી સરથાણા.
૨)એવન્યું એસ્ટ્રોન રેસીડેન્સી કઠોદરા.(૩૬ કલાકના ઉપવાસ)
૩)શાલિગ્રામ ફ્લોરા પસોદ્રા.
૪)વૃંદાવન સોસાયટી, સિલ્વર ચોક પુણાગામ
૫)ગોકુળ નગર સોસાયટી, રચના સર્કલ