ગુજરાતમાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના ધૂરંધર નેતા અને પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળીયાને પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારબાદ હવે ઉત્તર ગુજરાતના કદાવર નેતા જીવાભાઇ પટેલે પણ કોંગ્રેસ છોડી ભગવો ગ્રહણ કરી લીધો છે. ત્યારે સૌરાષ્ટ્ર બાદ કોંગ્રેસને હવે ઉત્તર ગુજરાતના નેતા જતા રહેતા મોટો ફટકો પડ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો મળ્યો છે. પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું. તેમણે કોંગ્રેસ નેતાગીરી સામે નારાગીને કારણે રાજીનામું આપ્યું છે. જીવાભાઈ પટેલ કોંગ્રેસના ખજાનચી રહી ચૂક્યા છે.
જીવાભાઇ પટેલ 2004થી 2009 સુધી મહેસાણાની બેઠકના સાંસદ રહ્યાં હતા, જીવાભાઇ પટેલે એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો છે. તો તેઓ ઉત્તર ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ પણ છે, તેઓએ વર્ષ 2017ની ચૂંટણીમાં જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે તેઓ રૂપિયા 26.41 કરોડની સંપત્તિના માલિક છે. જીવાભાઇ મહેસાણામાં વિધાનસભાની ચૂંટણીમાં નીતીનભાઇ પટેલ સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યાં હતા. જો કે તેમાં તેઓની હાર થઇ હતી. પરંતુ વર્ષ 2004ની ચૂંટણીમાં તેઓએ નીતીન પટેલને હાર આપી હતી.