રાજકોટ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિકને મળી યોગ્ય મુદ્દા હશે તે સરકારમાં વાત કરીશ, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો છે તે યોગ્ય છે. હાર્દિક પટેલની તબીયત સારી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરૂ છું.
હાર્દિકને સમજાવીશ કે પહેલા પારણા કરી લે પછી બધી વાત કરીશું
નરેશ પટેલ હાર્દિકને મળવા માટે રાજકોટથી રવાના થયા છે. નરેશ પટેલના કહેવાથી હાર્દિક માનશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકને સમજાવીશ કે પહેલા પારણા કરી લે પછી બધી વાત કરીશું. સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દા હાલ કોઇ તૈયાર નથી. આ અંગે હાર્દિકને મળીએ ત્યારે ચર્ચા કરીશું. આ વાત સંવાદથી જ પતે, સરકાર કહેશે તો હું મધ્યસ્થી માટે તૈયાર છું.
હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે
હાર્દિક પટેલને પારણા કરાવવામાં મારો પૂરો પ્રયાસ રહેશે. કોઇ સારૂ કામ હોય તો આગળ આવવું જોઇએ, આર્થિક રીતે ગરીબ દરેક વર્ગના લોકોને અનામત મળવી જોઇએ. વડીલોના આગ્રહથી અને સમાજના હિત માટે હું આ કામમાં આગળ આવ્યો છું. પહેલા ખોડલધામના ટ્રસ્ટીઓ અને પાસ સાથે બેઠક કર્યા પછી હાર્દિકને મળવાનો નિર્ણય લીધો છે. હાર્દિકને મળ્યા બાદ જે વાત યોગ્ય લાગશે તે સરકાર સુધી પહોંચાડીશ. હાલ કોઇ સાથએ મારી વાત થઇ નથી અને અમદાવાદની ખોડલધામ ટીમ નક્કી કરી રહી છે.
સુરતઃ યોગીચોક નજીક રાત્રે ટાયર સળગાવાયાં, પોલીસ અને યુવાનો વચ્ચે સંતાકૂકડીની રમત, 20થી વધુની અટકાયત
હાર્દિકના સમર્થકો દ્વારા ગુરૂવારે શહેરમાં નીકળીને કોલેજો અને વરાછાની ચોકસી બજાર બંધ કરાવી હતી. પોલીસ પણ આખો દિવસ આંદોલનકારીઓની પાછળ પાછળ દોડતી રહી હતી. દરમિયાન રાત્રે પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે સંતાકૂકડી જેવી રમત જોવા મળી હતી. અને યોગીચોક ખાતે ટાયરો સળગાવવામાં યુવાનો સફળ રહ્યા હતા. જેને લઈને પોલીસે 20થી વધુની અટકાયત પણ કરી હતી.
મહિલાઓએ રાત્રે થાલી-વેલણ વગાડી
ગત રોજ હાર્દિકના સમર્થનમાં એક તરફ જ્યાં દિવસભર કોલેજ અને બજારોમાં યુવાઓ દ્વારા ધમાલ કરવામાં આવી હતી તો બીજી તરફ રાત્રે ડિંડોલી ખાતે આવેલી ગોકુલધામ સોસાયટીમાં મહિલાઓ થાલી-વેલણ વગાડી હાર્દિક પટેલના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ તબક્કે સોસાયટીના પુરુષો અને વડીલોએ પણ ‘જય સરદાર-જય પાટીદાર’ના નારા લગાવ્યાં હતાં.
20થી વધુ યુવાનોની અટકાયત
સોશિયલ મીડિયામાં બાઇક રેલીનું આયોજન કરાયું હોવાના મેસેજ વાઈરલ થયા એ સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતામુજબ જળવાઈ રહે તે માટે તોફાનોના કેન્દ્ર બિન્દુ સમા યોગીચોક અને તેની આજુબાજુની તમામ સોસાયટીમાં એક એક સોસાયટી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આટલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કિરણચોક નજીકની મહાલક્ષ્મી સોસાયટીમાં ટાયર સળગાવવામાં યુવાનો સફળ રહ્યા હતા.
એ સાથે જ પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો છે. આશરે 20થી વધુ યુવાનોની અટકાયત કરાઈ હતી. જે તમામને કાપોદ્રા અને સરથાણા પોલીસ મથક પર રાખવામાં આવ્યા હતા. આ બન્ને પોલીસ મથક પર પણ લોકો એકત્ર થવા લાગ્યા હતા. જોકે, પોલીસે ટોળાંને એકત્ર થવા દીધું ન હતું.
પોલીસ અને યુવાનો વચ્ચે સંતાકૂકડી જેવી રમત
બાઇક રેલી માટે યુવાનો એકત્ર થતા ગયા તેમ તેમ પોલીસ પણ તેની પાછળ પાછળ જવા લાગી. આ રીતે પંદર વીસ યુવાનો બાઇક લઈને આવે ને જાય, ત્યાં બીજા પંદર વીસ યુવાનો આવી પહોંચે. આ રીતે પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે સંતાકૂકડી જેવી રમત જોવા મળી હતી. આ ઉપરાંત યોગીચોકની આજુબાજુમાં લોકોનું ટોળું એકત્ર ન થાય તેની પણ પોલીસે વિશેષ કાળજી રાખી હતી.