માલ્યાએ કહ્યું – ‘દેશ છોડ્યા પહેલા સેટલમેન્ટ માટે નાણામંત્રી જેટલીને મળ્યો હતો’, જાણો શું કહ્યું અરુણ જેટલીએ!

ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વિજય માલ્યા બુધવારે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યો હતો

ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વિજય માલ્યા બુધવારે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યો હતો. સુનાવણી બાદ કોર્ટની બહાર માલ્યાએ એવું નિવેદન આપ્યું જેનાથી દેશમાં રાજકારણ ગરમાયું છે. માલ્યાએ કહ્યું કે દેશ છોડતા પહેલા તેઓએ નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. તો સામા પક્ષે અરુણ જેટલીએ પણ સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે વિજય માલ્યા મને મળવા ઇચ્છતા હતા, પરંતુ મેં તેઓને સમય આપ્યો નહતો.

શું કહ્યું વિજય માલ્યાએ ?

વિજય માલ્યાના નિવેદન બાદ ભાજપ સરકાર ફરી બેકફૂટ પર આવી ગઇ છે. લંડનમાં વેસ્ટમિંસ્ટર કોર્ટ બહાર વિજય માલ્યાએ કહ્યું કે ભારત છોડતાં પહેલા તેઓ અરુણ જેટલીને મળવા આવ્યો હતો, હું સમગ્ર મામલે સમાધાન કરવા માટે જેટલીને મળવા આવ્યો હતો, હું બેંકની તમામ લોન ચૂકવવા તૈયાર જ હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટ પર સવાલો ઉભા કર્યા, માલ્યાએ કહ્યું કે મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા પર બેંકના અંદાજે 9 હજાર કરોડ લઇને ભાગી જવાનો આરોપ છે. જે સમયે વિજય માલ્યા ભારત છોડી ભાગી ગયો ત્યારે અરુણ જેટલી નાણામંત્રી હતો.

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઇની આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવા માટે તૈયાર કરેલી સેલનો વીડિયો પણ રજૂ કર્યો હતો. આ પહેલા જુલાઇમાં વેસ્ટમિન્સ્ટર મજિસ્ટ્રેટની કોર્ટના જજ એમા અર્બુધનાટે કહ્યું હતું કે તેમની શંકા દૂર કરવા માટે ભારતીય અધિકારી આર્થર રોડ જેલની બેરક નંબર 12નો વીડિયો જમા કરવો પડશે. ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે પણ વીડિયો રજૂ કરવાની હા પાડી હતી.

બેંકોનુ કરોડો રૂપિયાનો ફુલેકુ ફેરવનાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે બ્રિટનની કોર્ટમાં સુનાવણી ટાળવામા આવી છે. આ મામલે વધુ સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. જો કે વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં એક મોટો દાવો કર્યો કે ભારત છોડતા પહેલા તે નાણા પ્રધાન અરૂણ જેટલીને મળ્યો હતો. અને તેણે સેટલમેન્ટ માટેની ઓફર કરી હતી. માલ્યા બે માર્ચ, 2016ના રોજ ભારત છોડીને ફરાર થયો હતો. માલ્યાએ કહ્યું કે તેને રાજનીતિનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે.

ભારતમાં તેણે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ સમજૂતીની પેશકશ કરી તેવો પણ માલ્યાએ દાવો કર્યો છે. આ દરમ્યાન માલ્યાએ કહ્યું હતું કે મેં આ મામલે સંપૂર્ણ રીતે સેટલમેન્ટ માટે કર્ણાટક કોર્ટમાં અપીલ કરી છે અને મને આશા છે કે માનનીય જજ આ ધ્યાનમાં રાખીને મારા પક્ષમાં સુનાવણી કરશે. સૌનો હિસાબ ચૂકવી દઈશ અને મને લાગે છે આ જ મુખ્ય હેતુ છે. માલ્યાના વકીલે કહ્યું કે એ વાતની કોઈ સાબિતી નથી કે માલ્યા કે કિંગફિશરે ખોટા ઇરાદે બેંક લોન માટે અરજી કરી હોય.

વિજય માલ્યાના દાવા બાદ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસે માલ્યા, પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભાગેડુંની સાથે લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એક માત્ર લક્ષ્ય છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આ ચોંકાવનારો મામલો છે. કેજરીવાલે પૂછ્યું કે અત્યાર સુધી નાણામંત્રીએ આ વાત કેમ છૂપાવી હતી. કેજરીવાલે દાવો કર્યો હતો કે નીરવ મોદી દેશ છોડ્યા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિજય માલ્યાએ ભારત છોડતા અગાઉ નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં શું થયું હતું? લોકો જાણવા માંગે છે?

કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાગેડું સાથે, લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એકમાત્ર લક્ષ્ય છે. મોદીજી, છોટા મોદી, આપણા મેહુલભાઇ, અમિત ભટનાગર જેવા પાસેથી દેશના કરોડો લૂંટાવી દીધા, વિદેશ ભગાડી દીધા, વિજય માલ્યા તો અરુણ જેટલીને મળ્યો પણ હતો, વિદાય લીધી અને દેશના પૈસા લઇને ભાગી ગયો? ચોકીદાર નહીં ભાગીદાર છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top