જાેધપુર: સરહદ પર દેશની રક્ષા કરતાં રાજસ્થાનનો વધુ એક સપૂત શહીદ થઈ ગયો છે. જાેધપુરના બિલાડાના રહેવાસી જવાન લક્ષ્મણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં બુધવાર રાત્રે શહીદ થયો. ભારતીય સેનાના જવાન લક્ષ્મણના ગામમાં તેની જાણ થયા બાદ ત્યાં માહોલ ગમગીન થઈ ગયો છે. લક્ષ્મણ જાટના ઘરે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
આ સપ્તાહે જ અલવરનો એક જવાન દેશની રક્ષા કરતાં શહીદ થયો હતો. મળતી જાણકારી મુજબ, દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અમર શહીદ લક્ષ્મણ જાેધપુરના બિલાડા તાલુકાના ખેજડલા ગામના રહેવાસી હતો. લક્ષ્મણ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના સુંદરબનીમાં તૈનાત હતો. ત્યાંથી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં વળતો જવાબ આપતી વખતે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પાકિસ્તાની ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ સિપાહી લક્ષ્મણને સેનાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બુધવાર રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા.
શહીદ થયેલા લક્ષ્મણે પોતાના બુલંદ ઈરાદાનું જાેરદાર પ્રદર્શન કરતાં બહાદુરીથી પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશ માટે આપેલા સર્વોચ્ચ બલિદાન માટે સિપાહી લક્ષ્મણને હંમેશા યાદ રાખવામાં આવશે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, આ વર્ષે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવાની ઘટનામાં રાજસ્થાનના જાેધપુર નિવાસી સિપાહી લક્ષ્મણ શહીદ થનારા ચોથા જવાન છે.
પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના સુંદરબાની સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. દુશ્મનના ફાયરિંગે આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું કે ફાયરિંગમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું. સિપાહી લક્ષ્મણ એક બહાદુર, ખૂબ જ પ્રેરિત અને સજાગ સૈનિક હતો. રાષ્ટ્રના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે હંમેશા દેશ તેનો ઋણી રહેશે.