- હોસ્પિટલો, કંપનીઓ, પોલીસ વિભાગ, જેલ, સ્કૂલોમાં લગાવાયેલા કેમેરાની લાઈવ ફિડ હેકરો સુધી પહોંચી છે.
અમેરિકામાં હેકર્સના એક ગ્રૂપ દ્વારા સિલિકોન વેલી ખાતે આવેલી વેરકાડા નામની કંપનીના સિક્યુરિટી કેમેરાના ડેટા હેક કરી લેવામાં આવ્યા છે. આ હેકિંગના કારણે કંપની દ્વારા હોસ્પિટલો, કંપનીઓ, પોલીસ વિભાગ, જેલ તેમજ સ્કૂલોમાં લગાવાયેલા દોઢ લાખ જેટલા કેમેરાની લાઈવ ફિડ હેકરો સુધી પહોંચી ચુકી છે.
આ પૈકીના ઘણા કેમેરા ચહેરો ઓળખવા માટેની ટેકનોલોજીથી સજ્જ છે અને તેનો ડેટા પણ હેકર્સના હાથમાં પહોંચી ચુક્યો છે.હેકર્સનો દાવો છે કે, અમારી પાસે વેરકાડાના તમામ ગ્રાહકોના વિડિયો આર્કાઈવ્સ પણ આવી ચુક્યા છે.
કંપનીના ગ્રાહકોમાં ટેસ્લા અને બીજી જાણીતી કંપનીઓ સામેલ છે.હેકર્સે પૂરાવા રુપે ટેસ્લા કંપનીનો એક વિડિયો પણ શેર કર્યો છે.હેકર્સનો દાવો છે કે, અમે કેમેરા એટલા માટે હેક કર્યા છે કે લોકોને ખબર પડે કે કઈ હદે કંપનીઓમાં નજર રાખવામાં આવે છે અને સાથે સાથે આ સિસ્ટમ અમે બ્રેક પણ કરી શકીએ છે.