બોડેલીના વૃદ્ધની અજબ દુખદ કહાની સામે આવી છે. કિશોર કમાલિયા નામના આ વૃદ્ધ વર્ષોથી ઘરમાં ઝીરોના બલ્બ નીચે એકલવાયુ જીવન જીવે છે. મહિને 700 રુપિયાનું પેન્શન આવે છે તેમાંથી પોતાનું જીવન ગુજારે છે અને ઇલેક્ટ્રિકનું બિલ પણ ભરે છે. અંધકારમય જીવન જીવતા આ વૃદ્ધના મકાનનું જુનું મીટર એમજીવીસીએલ દ્રારા ફોલ્ટી હોવાનું જણાવી 6674 રુપિયાનું બિલ ફટકારી વીજ કનેક્શન કાપી નાખ્યું છે.
જેથી આ વૃદ્ધને ઢળતી ઉંમરે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. એમજીવીસીએલ કંપનીને અનેક લોકોએ અનેકવાર ફરિયાદ કરી કે આ વ્યક્તિની બિલ ભરવાની પરિસ્થિતિ જ નથી અને તેમના ઘરમાં એવા કોઇ સાધનો નથી જેનાથી તેમનું આટલુ બધુ બિલ આવે. પરંતુ કંપની કાંઇપણ સાંભળવા કે સમજવા તૈયાર જ નથી.
બોડેલીના સ્ટેશન વિસ્તારમાં રહેતા એક 65 વર્ષીય વૃદ્ધ કે જેમને જીવનમાં સુખ શાંતિનો એહસાસ કાર્યો જ નથી એવું કહી શકાય. 40 વર્ષ પહેલા આ વૃદ્ધે પોતાના પિતાને ગુમાવ્યા હતા. કિશોર કમાલિયા નામના આ વ્યક્તિને નથી ભાઈ કે નથી કોઇ બહેન. તેમની માતાને મજૂરી કરીને જીવડાવી અને આજથી 15 વર્ષ પહેલા તેમણે માતા પણ ગુમાવી. ગરીબીમાં જીવન જીવતા આ વ્યક્તિને જીવનસંગિની ના મળી, લગ્ન ના થતાં કોઈ બાળક પણ નથી.
જેના કારણે હાલ આ વ્યક્તિ એકલવાયું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. પણ હવે જ્યારે તે શારીરિક કમજોર બન્યા છે, ત્યારે તેમને કોઈ કામ પણ નથી મળતું. 700 રુપિયા તેઓ પેન્શન મેળવે છે અને સરકારી રાસન મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે.
જાણે મુશ્કેલી તેમની પાછળ પડી હોય તેમ, એમજીવીસીએલ દ્રારા તેમના મકાનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ઘરમાં નથી પાંખો કે, નથી તેના ઘરમાં ફ્રીજ, જીરોનો બલ્બ ચલાવતા વૃદ્ધને 150થી 200નું બિલ મળતું. જે તેઓ ગમે તેમ કરી ને ભરી દેતા પણ વીજ મીટર બદલવામાં આવ્યું ત્યારે એમજીવીસીએલ દ્વારા 6674 રુપિયાનું નવું બિલ આપ્યું છે.
જે આ વૃદ્ધને ભરવું મુશ્કેલ થઇ રહ્યું છે. એમજીવીસીએલ સામે આજીજી કરી પણ તેમની એક વાત ના સાંભળી. પાડોશીઓએ પણ કિશોર કામલીયાની સ્થિતી જણાવી પણ એમજીવીસીએલના કર્મચારીઓ નવું મીટર લગાવી ગયા. પણ કનેક્શનના જોડી આપ્યું.
એક તરફ અધિકારી જણાવી રહ્યા છે કે, ઘરની અંદર મીટર લગાડવામાં આવેલ હોય, મીટર રીડર અંદાજિત લોકનું બિલ બનાવી દે છે. અને જ્યારે નવું બિલ બનાવવામાં આવે છે ત્યારે તેમાં અગાઉનું બિલ જોડવામાં આવે છે. આવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિ બિલ ના ભારે તો તેનું કનેક્શન કાપી નાખવામાં આવે છે. આ બાબતો બને છે તેને લઈ અધિકારી વિનંતી કરી રહ્યા છે કે, ઘરની બહાર મીટર લગાડવામાં આવે.
પણ આ વૃદ્ધના ઘરનું મીટર બદલવામાં આવ્યું ત્યારે તેના ઘર માં જ કેમ લગાડવામાં આવ્યું, શું મીટર લગાડનાર કર્મચારીને અધિકારીએ નિયમની જાણકારી આપી નહી હોય? આ વૃદ્ધ તો સમયસર બિલ ભરતો જ હતો. પણ તેને મીટર ફોલ્ટ હોવાનું કારણ બતાવી કનેક્શન કાપી નાખવામાં આવ્યું. મીટરમાં ફોલ્ટ ત્રણ વર્ષથી હોવાનું જણાવવામાં આવ્યું. તેમાં આ વૃદ્ધનો શું વાંક. વૃદ્ધને 6674 રુપિયાનું બિલ મળી ગયું છે. જોકે, અધિકારીએ આ અંગે જણાવ્યુ કે, મીટરની ચકાસણીમાં ફોલ્ટ નહી જોવાય તો તેને રિકવરી મળશે.