દેશમાં વધી રહેલ કોરોનાની ગંભીર અસર બોલિવુડ પર પણ પડી રહી છે. બોલિવુડમાં કોરોનાના લીધે કોઈ ફિલ્મનું શૂટિંગ અટકી રહ્યું છે તેમજ કોઈ ફિલ્મની રીલિઝ ડેટ ટળી રહી છે. આ લિસ્ટમાં કંગના રનૌતની ફિલ્મ થલાઈવી પણ સામેલ થઈ ગઈ છે.
કંગના રનૌતની ફિલ્મ થલાઈવીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે દર્શકો તરફથી તેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. કંગના ની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા પરંતુ કંગના ના ફેન્સને આ ખબર જરૂર નિરાશ કરશે, ભારતીય ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે જણાવ્યું કે, ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે.
ફિલ્મ ક્રિટીક તરણ આદર્શ પ્રમાણે, ફિલ્મ થલાઇવીની ટીમે દેશમાં વધી રહેલ કોરોનાના કેસના કારણે આ નિર્ણય લીધો છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બધા દેશમાં એક સાથે ફિલ્મ રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાના લીધે ફિલ્મ ૨૩ એપ્રિલે રિલીઝ થશે નહિ. જોકે, ફિલ્મની નવી તારીખનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કંગનાની ફિલ્મ થલાઇવી પહેલા અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી. રોહિત શેટ્ટી નિર્મિત ફિલ્મ સૂર્યવંશી ગયા વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ. ફિલ્મ સૂર્યવંશીમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે.